પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની શોભાયાત્રા અનેક રીતે ખાસ બની રહી હતી, પરંતુ સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર પાટણની ગંગા-જમના તહેઝીબ અને કોમી એકતાના દ્રશ્યો રહ્યા હતા.
નીલમ સિનેમા વિસ્તારમાં પ્રથમવાર શોભાયાત્રાનું આગમન
પરંપરાગત રીતે નીકળતી આ શોભાયાત્રા આ વર્ષે પ્રથમ વખત શહેરના નીલમ સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ હતી. નવા રૂટ પર જ્યારે પ્રભુ શ્રી રામની સવારી આવી પહોંચી, ત્યારે સ્થાનિક મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રામ ભક્તોનું સ્વાગત કરવા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે મુસ્લિમ યંગ કમિટી દ્વારા એક વિશેષ સેવાનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો.
ઠંડા પીણાના કેમ્પ દ્વારા સેવાનો ધોધ
નીલમ સિનેમા મુસ્લિમ યંગ કમિટી દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા અને શરબતનો ભવ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. હિન્દુ-મુસ્લિમ ભાઈચારો વધુ સુદ્રઢ બને તેવા હેતુથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીરૂપી ઠંડુ પીણું ગ્રહણ કર્યું હતું. આ સેવાયજ્ઞમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો ખભેખભા મિલાવીને કાર્યરત રહ્યા હતા.
આ અગ્રણીઓએ આપી હાજરી
આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે બંને સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. જેમાં મુખ્યત્વે:
- મેહબૂબભાઇ અબદાલ અને મેહબૂબભાઇ પઠાણ (પાટણ ગુડઝ)
- ભરતભાઇ ભાટીયા (કોર્પોરેટર)
- સંજયભાઈ સ્વામી (આપકી પસંદ)
- અક્રમભાઈ પઠાણ, ઇબ્રાહીમભાઇ અને સાહરુખભાઈ
- આદિલ અબદાલ, સાજીદ અબદાલ અને ઇરફાનભાઈ સિંધી
- કાર્તિક પ્રજાપતિ અને અતિકઊર રહેમાન
આ ઉપરાંત અનેક હિન્દુ-મુસ્લિમ સમાજના મિત્રોએ સાથે મળીને આવતા-જતા રામ ભક્તોનું સ્વાગત કરી ‘સેવા એ જ પરમ ધર્મ’ના સૂત્રને સાર્થક કર્યું હતું.
ભાઈચારાની અનોખી મિશાલ
સ્થાનિક રહીશોના મતે, પાટણ હંમેશા શાંતિ અને સદભાવનાનું પ્રતીક રહ્યું છે. જ્યારે એક તરફ ભગવાન રામની શોભાયાત્રા નીકળતી હોય અને બીજી તરફ મુસ્લિમ ભાઈઓ હરખભેર તેનું સ્વાગત કરતા હોય, ત્યારે આ દ્રશ્યો સમાજમાં શાંતિ અને એકતાનો મોટો સંદેશ આપે છે. શોભાયાત્રાના આયોજકોએ પણ મુસ્લિમ યંગ કમિટીની આ સુંદર પહેલને બિરદાવી હતી.




