થેલેસેમિયા અંગે જનજાગૃતિ માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 અને 3055ની મુંબઈથી ભુજ સુધી કાર રેલી

રોટરીના મલ્ટી-ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વિસ્તારો સુધી સંદેશ પહોંચ્યો, થેલેસેમિયા પીડિત બાળકો માટે સહયોગનો સંકલ્પ

થેલેસેમિયા જેવી ગંભીર અને જીવનભર સારવાર માગતી બીમારી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સંયુક્ત રીતે મુંબઈથી ભુજ સુધીની કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરીના મલ્ટી-ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી આ રેલી વાપી, અમદાવાદ, મોઢેરા અને ધોળાવીરા જેવા મહત્વના સ્થળોથી પસાર થઈ ભુજ ખાતે સંપન્ન થઈ હતી.

મુંબઈના રોટેરિયન જય કરીયાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં 35થી વધુ રોટેરિયન્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલીમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ તરફથી રેલીના સંયોજક તરીકે સંજય દલાલ, સેતુ શાહ, પૂર્વીશ પટેલ, નેહાબેન શાહ, હીનાબેન શાહ તથા વિજાપુરથી સંગીતાબેન પટેલ અને કનૈયાલાલ આચાર્યે પણ રેલીમાં સક્રિય ભાગ લીધો હતો.

રેલી મોઢેરા સૂર્યમંદિર ખાતે પહોંચતા પાટણના રોટેરિયન ડૉ. બાબુભાઈ પ્રજાપતિ અને હરેશ પટેલ દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન મોઢેરા સૂર્યમંદિર ખાતે થેલેસેમિયા અંગે સંક્ષિપ્ત માહિતી અને જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી ધોળાવીરા ખાતે પહોંચીને વિશ્વવિખ્યાત પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિના અવશેષોનું અવલોકન કર્યું હતું. ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાતા મનોહર પ્રવાસન માર્ગ પરથી પસાર થઈ રેલી અંતે ભુજ શહેર ખાતે પૂર્ણ થઈ હતી.

આ સમગ્ર યાત્રા દરમિયાન થેલેસેમિયા પીડિત બાળકોને વધુ સારી સારવાર, નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન, આધુનિક તબીબી સુવિધાઓ અને સામાજિક સહારો કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ જણાવ્યું હતું કે રોટરી સંસ્થા વર્ષોથી થેલેસેમિયા નિવારણ અને સારવાર ક્ષેત્રે કાર્યરત છે. બંને ડિસ્ટ્રિક્ટ વચ્ચેના સહયોગથી આ કામગીરી વધુ વ્યાપક અને અસરકારક બનશે, જેનાથી અનેક બાળકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે.

પાટણના રોટેરિયન ડૉ. બાબુભાઈ પ્રજાપતિએ ભુજના થેલેસેમિયા સેન્ટરની વિશેષ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ કેન્દ્ર માત્ર તબીબી સારવાર પૂરતી સીમિત ન રહી દર્દીઓ અને તેમના પરિવારજનોને માનસિક, શારીરિક તેમજ આર્થિક રીતે પણ સહારો આપે છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ કેન્દ્ર માટે ક્લબ પ્રેસિડેન્ટ હર્ષદભાઈ ઠક્કર અને મેન્ટર જયેશભાઈ શાહ અભિનંદનને પાત્ર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અંતમાં રોટેરિયન જય કરીયાએ રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા અપાયેલી આત્મીય મહેમાનગતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે થેલેસેમિયા પીડિત બાળકોને મુંબઈ પ્રવાસ તેમજ સારવાર માટે આમંત્રણ આપીને રોટરી પરિવારની માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here