નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલો–કોલેજ માં ‘વીર બાલ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી

શિક્ષણ જ્યારે શૌર્ય અને સંસ્કાર સાથે જોડાય, ત્યારે વીર પેઢીનું નિર્માણ થાય – ડૉ. જય ધ્રુવ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) દ્વારા સંચાલિત શાળા તથા મહાવિદ્યાલયોમાં વીર બાલ દિવસની ગૌરવભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી. આ દિવસે શ્રી ગુરુ ગોબિંદસિંહજીના સાહેબઝાદાઓના અદમ્ય શૌર્ય, અવિચલ ધર્મનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ‘વીર બાલ દિવસ’ ભારતની શાશ્વત પરંપરામાં રહેલી સાહસ, સત્ય અને નૈતિક શક્તિને યાદ કરાવતો મહત્વપૂર્ણ અવસર છે.આ વિશેષ અવસરે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર, પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ તથા એલ.એન.કે. બી.એડ. કોલેજ ખાતે વિવિધ શૈક્ષણિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, ચિત્રકલા અને નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દેશભક્તિ, બલિદાન તથા વીરતા જેવા વિષયોનું અસરકારક પ્રસ્તુતિકરણ કર્યું. સમગ્ર શૈક્ષણિક પરિસરમાં ગૌરવ, પ્રેરણા અને રાષ્ટ્રીય ચેતનાનો માહોલ જોવા મળ્યો.

આ પ્રસંગે કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના ડૉ. જય ધ્રુવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે જણાવ્યું કે વીર બાલ દિવસ માત્ર ઇતિહાસને સ્મરણ કરવાનો દિવસ નથી, પરંતુ યુવા પેઢીમાં સાહસ, સંસ્કાર જાગૃત કરવાનો સંદેશ છે. ડૉ. જય ધ્રુવે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, સાહેબઝાદાઓનું બલિદાન આપણને શીખવે છે કે વીરતા માટે ઉંમર અડચણ નથી અને સત્ય હંમેશાં ભયથી ઊંચું રહે છે. જ્યારે વિદ્યાર્થીઓ આવા મહાન જીવનચરિત્રોથી પરિચિત થાય છે, ત્યારે તેઓ માત્ર ઇતિહાસ નથી શીખતા, પરંતુ જીવનમૂલ્યો અપનાવે છે. આજના સમાજને નૈતિકતા સાથે નિર્ભય, આદર્શ અને રાષ્ટ્રપ્રત્યે સમર્પિત યુવા પેઢીની જરૂર છે.”

આ કેમ્પસ એ મૂલ્યઆધારિત અને રાષ્ટ્રકેન્દ્રિત શિક્ષણ પ્રતિ પ્રતિબદ્ધતાને ફરી એકવાર સ્પષ્ટ કરી. આવા કાર્યક્રમો દ્વારા NGES આવનારી પેઢીમાં સંસ્કાર, દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વનું બીજ રોપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here