NGES કેમ્પસમાં એપ્રિલ બાદ અનુભવી ફેકલ્ટી સાથે UPSC/GPSC માટે વિશેષ ક્લાસિસ શરૂ થશે

સિવિલ સર્વિસ માટે પાટણમાં જ મળશે ઉત્તમ માર્ગદર્શન : NGES કેમ્પસની પહેલ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે તાજેતરમાં UPSC અને GPSC અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ રહ્યો.

કાર્યક્રમ દરમિયાન અત્યંત અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી શિસ્ત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લીધો અને કાર્યક્રમને ખૂબ જ લાભદાયક ગણાવ્યો.

આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે NGES કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી UPSC અને GPSC માટે વિશેષ કોચિંગ ક્લાસિસ શરૂ કરવામાં આવશે, જેમાં Symbiosis Academy ના અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તાજેતરમાં આ સંસ્થાના 4 વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામા સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તાને દર્શાવે છે.
આ પ્રસંગે NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે.
સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા UPSC અને GPSC ક્લાસિસમાં જોડાવા માટે રસ દર્શાવ્યો.આ પ્રસંગે NGES ની તમામ સંસ્થાઓ ના પ્રિન્સિપાલો અને સ્ટાફ હાજર રહ્યા હતા.




