રેલ્વે ગરનાળા નજીકનો ‘ટ્રેગ મોલ’ પરવાનગી વગર ચાલુ, અવાજ અને ગરમ હવાથી જીવન મુશ્કેલ
પરવાનગી વિના ધમધમતા મોલ સામે પગલાં લેવા માંગ; 22 AC કોમ્પ્રેસરથી ધ્વનિ અને હવા પ્રદૂષણ થતું હોવાનો આક્ષેપ
પાટણ શહેરના રેલ્વે ગરનાળા નજીક આવેલી કૃષ્ણપાર્ક અને લાવણ્ય સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી છે. સોસાયટીના પાછળના ભાગે પરવાનગી વગર ચાલુ કરાયેલા ટ્રેગ મોલના કારણે રહેવાસીઓના જીવન પર ગંભીર અસર પડી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે મોલ દ્વારા દીવાલ પર લગાવવામાં આવેલા 22 એર કન્ડીશનર કોમ્પ્રેસરના કારણે અસહ્ય અવાજ અને ગરમ હવા સોસાયટી તરફ આવે છે, જેના લીધે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે.
સોસાયટી અને ટ્રેગ મોલ વચ્ચે આવેલી કોમન દીવાલ પર મોલના માલિકે 22 જેટલા એસી કોમ્પ્રેસર લગાવ્યા છે. આ કોમ્પ્રેસરના સતત ધ્વનિ અને તેમાંથી નીકળતી ગરમ હવા સોસાયટીના રહેણાંક મકાનો તરફ ધકેલાય છે. જેના કારણે સોસાયટીના રહીશોને દિવસભર મકાનના દરવાજા અને બારીઓ બંધ રાખવાની ફરજ પડે છે, તેમ છતાં અવાજ અને ગરમીથી છુટકારો મળતો નથી. રહીશોના જણાવ્યા અનુસાર, આ પ્રદૂષણને કારણે તેમને શ્વાસ લેવામાં, આંખ અને નાકમાં બળતરા થવા જેવી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે, જેનાથી માનસિક અને શારીરિક તણાવ વધે છે. રહીશોએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ પ્રવૃત્તિઓ તેમના જાન-માલ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, આ ટ્રેગ મોલ કોઈ પણ જાતની બી.યુ. પરમીશન (બિલ્ડિંગ યુઝ પરમિશન) વગર અને ફાયર એન.ઓ.સી. (ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વિના ગેરકાયદેસર રીતે શહેરની વચ્ચોવચ ચાલુ કરી દેવાયો છે. રહીશોએ ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સારું જીવન જીવવાના અધિકારનો હવાલો આપીને, તાત્કાલિક ધોરણે મોલ વિરુદ્ધ પગલાં લેવા અને તેને બંધ કરવાની માંગ કરી છે. ફાયર ગાઈડલાઈન્સનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ કરાવવા જણાવાયું છે. નાગરિકોના હિતમાં અને જાનમાલની સુરક્ષા માટે આ પરવાનગી વગર ચાલતા મોલને સીલ મારીને તાત્કાલિક બંધ કરવા માટે પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર સમક્ષ કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.



