આજના ડિજિટલ યુગમાં પણ શુભમુહૂર્તમાં વેપારીઓ હિસાબી ચોપડા ખરીદી પૂજન કર્યુ…
પાટણ તા. ૨૦
દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણમાં વેપારીઓએ વર્ષો જૂની ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખી હતી. શહેરની વિવિધ વેપારી પેઢીઓના માલિકોએ શુભ મુહૂર્તમાં હિસાબી ચોપડાઓની ખરીદી કરી વિધિવત પૂજન કર્યું હતું.
આધુનિક આઈટી યુગમાં જ્યારે મોટાભાગના હિસાબો ડિજિટલ માધ્યમથી થાય છે, ત્યારે પણ પાટણના વેપારીઓએ હાથથી હિસાબ લખવાની આ પરંપરાને જીવંત રાખી છે.
આ પ્રકાશના પર્વ નિમિત્તે વેપારીઓએ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું.
દિવાળીના દિવસે શહેરની ચોપડાની દુકાનોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ પેઢીઓના વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબના હિસાબી ચોપડા ખરીદવા પહોંચ્યા હતા. આ ચોપડાઓનું વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. કેટલાક વેપારીઓએ ચોપડા પૂજનની સાથે કમ્પ્યુટરનું પણ પૂજન કર્યું હતું.
નાના-મોટા તમામ વેપારીઓ દ્વારા દિવાળીના દિવસે ચોપડાઓનું વિશેષ પૂજન કરવામાં આવે છે.
વર્ષ દરમિયાનના વેપાર-ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડા ખરીદી પોતાની પેઢી પર પૂજન કરી નવા વર્ષના ધંધા-રોજગારના શ્રી ગણેશ કયૉ હતા.




