પાટણમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી: કોર્ટની જગ્યામાં રોડ બનાવતા વિવાદ, કામ અધવચ્ચે અટવાયું

પાટણ:
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. જિલ્લા અદાલતની પાછળના ભાગે આવેલી કોર્ટની માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવવાનું શરૂ કરી દેતા મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે કોર્ટના અધિકારીઓએ વાંધો ઉઠાવતા હાલ કામગીરી રોકી દેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત પાટણના કર્મચારી નગરથી આંગણવાડી થઈ શ્રમજીવી આવાસ યોજના સુધીનો આશરે રૂ. ૬ લાખના ખર્ચે રિમિક્સ સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. નગરપાલિકાએ આ રોડની કામગીરી શરૂ પણ કરી દીધી હતી, જેમાંથી અડધો રોડ તૈયાર પણ થઈ ગયો છે.
પરંતુ, જ્યારે આ કામગીરી આગળ વધી ત્યારે જાણવા મળ્યું કે જે જગ્યાએ રોડ બની રહ્યો છે તે નગરપાલિકાની નહીં પણ જિલ્લા અદાલત (કોર્ટ) ની માલિકીની જગ્યા છે. કોર્ટના અધિકારીઓએ આ અંગે નગરપાલિકાને ટકોર કરી હતી કે તેમની પરવાનગી વગર અથવા માપણી કર્યા વગર કોર્ટની પ્રિમાઈસીસમાં રોડ કેવી રીતે બનાવી શકાય? આ ટકોર બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
વિપક્ષ અને સ્થાનિક નેતાઓનો આક્ષેપ
આ મુદ્દે આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈએ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે:

  • “નગરપાલિકાના બાંધકામ શાખા અને ટીપી વિભાગના અધિકારીઓએ રોડ બનાવતા પહેલા માપણી કરવાની તસ્દી કેમ ન લીધી?”
  • “ચૂંટણી સમયે ઉતાવળે રોડ બનાવવાના ચક્રો ગતિમાન કરાયા છે, પરંતુ કોની માલિકીની જમીન છે તેની પણ જાણકારી તંત્ર પાસે નથી.”
  • “આ પહેલા પણ ૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટમાં રૂ. ૧૦.૫૦ લાખનો આવો જ વિવાદ થયો હતો.”
    લોકોની હાલાકીમાં વધારો
    રોડનું કામ અધવચ્ચે અટકી જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખોદકામ અને અધૂરા કામને કારણે આગામી ચોમાસામાં અહીં પાણી ભરાવાની અને કાદવ-કીચડની સમસ્યા વકરવાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ આમ આદમી પાર્ટીના સ્વયં સાલવીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો જમીન પાટણ જિલ્લા અદાલત કોર્ટની હતી તો પાટણ નગરપાલિકાએ પ્લાનિંગ કરતી વખતે નકશા કેમ ચેક ના કર્યા……? અને જો રસ્તો જાહેર હતો તો પાટણ જિલ્લા અદાલત કોર્ટના વાંધા બાદ પાટણ નગરપાલિકાના સત્તાધીશો મૌન કેમ છે…….? સંકલન નો અભાવ કે ટેકનિકલ ભૂલ…..?
  • સરકારી યોજના ની લાખોની ગ્રાન્ટ જ્યારે વપરાતી હોય ત્યારે બે સરકારી વિભાગો પાટણ નગરપાલિકા અને પાટણ જિલ્લા અદાલત કોર્ટ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો આ ગંભીર ભૂલ બાદ શું પગલાં લે છે અને અટવાયેલા રોડનું ભાવિ શું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here