પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં આજે રામનવમીના પવિત્ર અવસરે જાણે ‘રામરાજ્ય’ ઉતરી આવ્યું હોય તેવો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની ઝાંખી કરાવતી ભગવાન શ્રીરામની ૩૯મી ભવ્ય રથયાત્રામાં આજે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોના નાદથી સમગ્ર પાટણ ‘રામમય’ બની ગયું હતું.



વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ યાત્રામાં આ વર્ષે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અયોધ્યાના રામલલ્લાનું બાળ સ્વરૂપ હતું. શહેરના છીંડિયા દરવાજાથી જ્યારે આ યાત્રાનો પ્રારંભ થયો, ત્યારે કેસરી સાફાધારી સ્વયંસેવકો અને બાહુબલી હનુમાનના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં ભક્તિની સાથે ભારતીય સંસ્કૃતિના શૌર્યના પણ અદભૂત દર્શન થયા હતા. ખાસ કરીને દુર્ગાવાહિનીની ૫૦૦થી વધુ બહેનોએ જ્યારે હાથમાં તલવાર લઈને ‘તલવાર રાસ’ રજૂ કર્યો, ત્યારે ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. તો બીજી તરફ બજરંગ દળના યુવાનોએ લાઠી દાવ અને શસ્ત્ર કરતબો દ્વારા વાતાવરણમાં જોશ ભરી દીધું હતું.
૬ કિલોમીટર લાંબા આ રૂટ પર ભક્તોની સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. એક DySP, ચાર PI અને ૨૦૦થી વધુ કોન્સ્ટેબલોના લોખંડી બંદોબસ્ત વચ્ચે આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું, જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને દર્શન કરી શકે. યાત્રાના માર્ગ પર ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, છાશ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડી.જે.ના તાલે અને ધાર્મિક સંગીતના સૂરે ગુંજતી પાટણની ગલીઓમાં ભક્તોએ પલક પાંપણે પ્રભુનું સ્વાગત કર્યું હતું. ખરેખર, શૌર્ય અને ભક્તિના આ સંગમ સમાન રથયાત્રાએ પાટણના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે.




