પાટણ માર્કેટયાર્ડમાં યોજાયેલી બેઠક બાબકે વિવાદ, તપાસની માંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…

ચૂંટણીની તૈયારી વચ્ચે પાટણમાં વોટ વિવાદે ચકચાર
પાટણ.
પાટણ માર્કેટયાર્ડના હોલમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન મતદાર યાદી અને મતાધિકારને લઈને ગંભીર વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ તથા આગેવાનોએ ચૂંટણી અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આક્ષેપ કર્યો હતો કે લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટચોરીને પકડી પાડી તેના પુરાવા પણ રજુ કર્યાં હતા જ્યારે અત્યારે ગુજરાતમાં એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પાટણમાં ભારતીયા જનતા પાર્ટી દ્વારા વોટ ચોરી કઈ રીતે કરવી તેવા આશય સાથેનું એક અધિવેશન માર્કેટયાર્ડ સરદાર ભવન ખાતે તા.17-12-2025ના રોજ મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા બીએલઓ ને સૂચના આપવામાં આવી હતી કે તમારા દરેક બુથમાંથી 15 થી 20 વોટ કઈ રીતે ઓછા કરવા તે માટે 55 થી વધુ વર્ષની ઉંમરના લોકોને મરણના વાંધા આપવા અને તે વાંધા મંજુર થઈ જશે જે બાબતે ઉપર વાત થઈ ગઈ છે અને તેમના ફરી દાખલ કરવા પુરાવા રજુ કરવા પડશે જેમાં પાટણના નગરપાલિકાના 7, 8 અને 10 નંબરના વોર્ડમાંથી 200 થી 150 વોટ ઓછા કરવા અને દરેક બુથ પરથી મુસ્લીમ અને દલીત સમાજના વોટ ઓછા કરવા માટે આયોજનબધ્ધ સૂચના ભાજપ કાર્યકરોને આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ તા. ૧૭/૧૨/૨૦૨૪ના રોજ સાંજે પાટણ માર્કેટયાર્ડમાં ભાજપના જિલ્લા સ્તરના આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્કેટયાર્ડના પ્રમુખ તેમજ ભાજપના જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ પક્ષના મતદારોને ઓછા કરવા અને ભાજપને લાભ મળે તે રીતે મતદાર યાદીમાં હેરફેર કરવાની ચર્ચા થઈ હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે બેઠકમાં કેટલાક વિસ્તારોમાં ૪૦ થી ૫૦ જેટલા મતદારોને ગેરરીતે મતદાર યાદીમાંથી દૂર કરવાની વાત પણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨ની ચૂંટણી દરમિયાન થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરી, ખાસ સમુદાય અને વર્ગના મતદારોને નિશાન બનાવવાની વાતો કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકને મતાધિકારનો પવિત્ર અધિકાર છે. કોઈપણ પક્ષ કે વ્યક્તિ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ કરવી કે મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરવો બંધારણ અને લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી તથા સંબંધિત અધિકારીઓને સમગ્ર બાબતની તટસ્થ તપાસ કરી દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવા તથા મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવા વિનંતી કરવામાં આવી છે.




