જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે કલેકટરે સૂચના આપી.
પાટણ તા.૨૦
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ જાહેર હિતના મુદ્દાઓને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગટરો તથા કેનાલની સફાઈ, માર્ગોની મરામત, સમી તાલુકામાં પીવાના પાણીની સમસ્યા, કોડધા ખાતે કૃષિ વીજ કનેક્શન, ક્ષતિગ્રસ્ત ભારતમાલા રોડનું રીપેરિંગ, હોર્ડિંગ્સનું સંચાલન, રખડતા ઢોરની સમસ્યા તથા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હપ્તાની ચૂકવણી જેવા વિવિધ મુદ્દાઓ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરે રજૂ કરાયેલા મુદ્દાઓના ઝડપી નિવારણ માટે સંબંધીત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. સાથે સાથે લોકો તરફથી મળેલી અરજીઓ તથા પ્રશ્નોની પણ સમીક્ષા કરીને નિરાકરણ લાવવા માટે જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પ્રાંત અધિકારીઓ તેમજ સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.