પાટણ ના સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી કીટ પર શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાઈ…

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ના સહયોગથી રીજીયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે આજે 09 ઓક્ટોબર 2025 ના રોજ “ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ટિવિટી કીટ પર હેન્ડસ-ઓન ટ્રેનિંગ પ્રોગ્રામ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 165 શાળાઓમાંથી 165 શિક્ષકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 125 શિક્ષકોએ આજના કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અશોકભાઇ ચૌધરી ઉપસ્થિત રહી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી ના પ્રચાર પ્રસાર માટે શિક્ષકોને પ્રેરિત કર્યા હતા. તેમજ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર,પાટણના કોર્ડિનેટર શ્રી વનવીરભાઈ ચૌધરી, શ્રી દર્શનભાઈ, શ્રી દિલીપભાઈ (સાયન્સ કોમ્યુનિકેટર) અને શ્રી સાહિલભાઈ ચૌધરી (આઈપી ઓફિસર) થતા મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજવાનો અવસર પૂરો પાડવાનો હતો. શિક્ષકોએ ક્વોન્ટમ સાયન્સના રસપ્રદ પ્રયોગો વિવિધ કિટ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કર્યા અને વિષયને વધુ સમજવા હેન્ડસ-ઓન અનુભવ મેળવ્યો.

આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી આવેલા મંથન એજ્યુકેશન પ્રોગ્રામ્સ સોસાયટી ,ઈન્ડિયાના નિષ્ણાત શ્રી કથન કોઠારી દ્વારા વિશેષ હેન્ડસ-ઓન સેશન્સ લેવામાં આવ્યા. દરેક શિક્ષકને વ્યક્તિગત ક્વોન્ટમ કીટ આપવામાં આવી અને તેના દ્વારા તાલીમ આપવામાં આવી. ઉપરાંત, દરેક ભાગ લેનાર શાળાને એક ક્વોન્ટમ કીટ ભેટરૂપે આપવામાં આવી જેથી વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે રસ અને સંશોધન દૃષ્ટિ વિકસે. શિક્ષકોએ આ તાલીમ વિષે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને તેને ખૂબ લાભદાયક ગણાવ્યો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો સુમિત શાસ્ત્રી જણાવ્યું કે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2025 ને “આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ લોકો સુધી પહોંચાડવું, વૈશ્વિક સહકાર વધારવો અને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન દ્વારા યોગદાન પૂરું પાડવાનો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ ને આ ઉજવણી માટે એકેડેમિક પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિવિધ સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને રસ વિકસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here