પાટણ: રોહિતદાસનગર સોસાયટીમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો, માતા અને બહેન સાથે મારપીટ કરી જાતિવિષયક અપમાન કર્યાની ફરિયાદ

પાટણ, તા. ૨૮
પાટણ શહેરના પિતાંબર તળાવ પાસે આવેલી રોહિતદાસનગર સોસાયટીમાં નજીવી બાબતે તકરાર બાદ એક પરિવાર પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યો હોવાની અને જાતિવિષયક અપમાનિત કર્યાની ફરિયાદ પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
બનાવની વિગત:
પોલીસ ફરિયાદ મુજબ, રોહિતદાસનગર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ પ્રહલાદભાઈ પરમાર (ઉ.વ. ૨૩) ગત તા. ૨૭/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રે પોતાના ઘરની નજીક કાકાના નવા ઘરના ઓટલે ભાઈ જીતેન્દ્ર અને મિત્ર શુભમ સાથે બેઠા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા અર્જુનજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર અને રાહુલજી ઠાકોરે તેઓને જોઈને “અપમાનજનક શબ્દો બોલી અહીં કેમ બેઠા છો” કહીને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા. મેહુલભાઈએ આવું કેમ બોલો છો તેમ પૂછતાં, આરોપીઓએ “પાંચ મિનિટમાં પાછા આવીએ છીએ” તેમ કહીને ધમકી આપી હતી.
થોડીવાર બાદ આ ત્રણેય ઈસમો અને એક અન્ય અજાણ્યો શખ્સ બાઈક પર આવી મેહુલભાઈના ઘર પાસે જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા. અવાજ સાંભળીને મેહુલભાઈના માતા મંજુલાબેન અને બહેન કોમલ બહાર આવ્યા હતા. ત્યારે આરોપી પ્રહલાદજી ઠાકોરે ઉશ્કેરાઈ જઈને મંજુલાબેનના ડાબા હાથ પર લાકડાનો ધોકો માર્યો હતો.
વચમાં પડેલી બહેન કોમલ સાથે પણ આરોપીઓએ ઝપાઝપી કરી હતી. આરોપીઓએ કોમલના વાળ પકડીને તેને નીચે પાડી દીધી હતી અને તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આ દરમિયાન સોસાયટીના અન્ય લોકો ભેગા થઈ જતાં ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. તે મુજબ પોલીસ ફરિયાદ માં જાણવા મળેલ છે.
આરોપીઓ:
૧. અર્જુનજી ઠાકોર
૨. પ્રહલાદજી ઠાકોર
૩. રાહુલજી ઠાકોર
૪. એક અજાણ્યો ઈસમ
(તમામ રહે. પિતાંબર તળાવ પાસે, પાટણ)
પોલીસ કાર્યવાહી:
આ અંગે ભોગ બનનાર મેહુલભાઈ પરમારે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસીટી એક્ટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here