20 એપ્રિલે લગ્ન થવાના હતા, ટ્રેન નીચે આવી જતાં યુવકના શરીરના બે ટુકડા.
પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે આવી જતાં મૂળ રાજસ્થાનના અને પાટણમાં A/128 વ્રજધામ -2 એકલવ્ય સ્કૂલ ની પાસે રહેતા 33 વર્ષના કૈલાશ કુમાર વિશાલભાઈ સુથાર નામની વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પાટણ રેલવે સ્ટેશનથી નીકળેલી ટ્રેન નંબર 59484 ની અડફેટે આવતાં આ બનાવ બન્યો હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ પાટણ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલમાં અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતપામેલ કૈલાસ કુમાર વિશાભાઈ સુથાર છેલ્લાં બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો અને 3 મહિના પછી એટલે કે એપ્રિલ મહિનામાં તેના લગ્ન થવાના હતા . ત્યારે આ દુર્ઘટનાને લીધે હાલમાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બીજી તરફ આ ઘટના અકસ્માતે બની છે કે આત્મહત્યાનો કેસ છે એ તરફ પણ પોલીસ તપાસ ચાલી રહી છે.
ઘટના પાટણ રેલવે ગરનાળા પાસે બની.
આ ઘટના પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગરનાળા પાસે બની હતી. પાટણ સ્ટેશનથી ટ્રેન રવાના થઈ રહી હતી એ સમયે વ્યક્તિ અચાનક રેલવેટ્રેક પર આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતાં તેનું શરીર કપાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
અકસ્માત છે કે આત્મહત્યા, તપાસનો ધમ ધમાટ શરૂ.
ઘટનાની જાણ થતાં જ પાટણ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પાટણની એકલવ્ય સ્કૂલની બાજુમાં આવેલા એક મકાનમાં તેના ભાઈ સાથે રહેતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પાટણ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મારી સાથે મેડિકલ સ્ટોર પર બેસતો: મોટાભાઈ.
આ ઘટના પર મૃતકના મોટાભાઈ જગદીશભાઈએ જણાવ્યું કે, અમે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના આહોર તાલુકાનું ચરલી ગામના રહેવાસી છીએ. અને મારી પાટણના વાડિનાથ ચોક પાસે મેડિકલ દુકાન છે. જેમા મારો નાનો ભાઈ કૈલાશ સુથાર પણ મારી સાથે બેસતો હતો. કૈલાશ સુથાર દરરોજ સવારે હોલસેલની દુકાનથી દવાઓ લાવીને મેડિકલમાં વેચતો હતો. આજે સવારે પણ તે તેનું વાહન લઈને દવા લેવા ગયો હતો ત્યારે આ ઘટના બની છે. હું મેડિકલ સ્ટોર પર બેઠો હતો ત્યારે મને પોલીસનો ફોન આવ્યો.
એપ્રિલમાં ભાઈના લગ્ન હતા: મોટાભાઈ.
અમે 4 ભાઈ-બહેન છીએ. જેમાથી બે ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા છે, જ્યારે કૈલાશ અને તેની એક બહેનના લગ્ન 20 એપ્રિલના રોજ રાજસ્થાનમાં અમારા વતને થવાના હતા. હાલમાં મૃતદેહને પીએમ અર્થે પાટણ સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, પીએમ થયા બાદ અમે તેના મૃતદેહને રાજસ્થાન લઈ જઈશું અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર થશે……!




