હંમેશા શિસ્ત, કેડર અને અનુશાસનના બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટી હાલમાં આંતરિક વિખવાદ અને બળવાના વમળમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ટિકિટ ન મળતા અનેક હોદ્દેદારો અને સભ્યોએ પક્ષ સામે ખુલ્લેઆમ બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા આ નેતાઓ સામે ભાજપ હજુ સુધી મૌન સેવી રહ્યો છે.
શિસ્તના દાવાઓ પોકળ સાબિત થયા?
ભાજપમાં જ્યારે પણ કોઈ સભ્ય પક્ષના આદેશનું ઉલ્લંઘન કરે ત્યારે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પરંપરા રહી છે. પરંતુ આ વખતે ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જિલ્લા અને તાલુકા સ્તરે અનેક પૂર્વ કોર્પોરેટરો અને સક્રિય કાર્યકરોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે મોરચો માંડ્યો છે. આમ છતાં, પાર્ટી આ બળવાખોર સભ્યોને પ્રાથમિક સભ્યપદ પરથી દૂર કરવામાં વિલંબ કરી રહી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
કાર્યકરોમાં ભારે અસંતોષ
પક્ષ દ્વારા લેવામાં આવી રહેલી આ નરમ નીતિને કારણે પાયાના અને વફાદાર કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરોનું માનવું છે કે જો શિસ્તભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં શિસ્ત જેવું કંઈ રહેશે નહીં. “જે લોકોએ પક્ષ સામે બળવો કર્યો છે તેમને છાવરવામાં કેમ આવી રહ્યા છે?” એવો પ્રશ્ન અત્યારે ભાજપના આંતરિક વર્તુળોમાં ગુંજી રહ્યો છે.
વિલંબ પાછળનું કારણ શું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ કદાચ ડેમેજ કંટ્રોલની આશાએ અથવા તો આંતરિક ગણિતને કારણે કાર્યવાહી કરવામાં ઢીલ કરી રહ્યું છે. પરંતુ ચૂંટણીના જંગમાં જ્યારે પક્ષના જ લોકો પક્ષના ઉમેદવારને હરાવવા મેદાને પડ્યા હોય, ત્યારે ભાજપનું આ મૌન તેને મોટું નુકસાન કરાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ બળવાખોરો સામે ક્યારે લાલ આંખ કરે છે કે પછી ‘શિસ્ત’ના નિયમો માત્ર કાગળ પર જ રહી જશે.




