માનવ સેવાનો પર્યાય: પાટણના 108 પાયલટ ગુલાબખાન બલોચ 18 વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા બાદ નિવૃત્ત…

બિહારનું પૂર હોય કે કોરોના કાળ, જીવના જોખમે ફરજ બજાવનાર પાયલટનું અમદાવાદ હેડ ઓફિસ અને પાટણ ખાતે ભવ્ય સન્માન

પાટણ:

ગુજરાતની જીવાદોરી સમાન 108 એમ્બ્યુલન્સ સેવાના આરંભ કાળથી જોડાયેલા અને હજારો લોકોના જીવ બચાવવામાં નિમિત્ત બનેલા પાટણના પાયલટ ગુલાબખાન બલોચ વર્ષ 2026માં પોતાની લાંબી અને યાદગાર સેવા બાદ નિવૃત્ત થયા છે. 18 વર્ષ સુધી રાત-દિવસ જોયા વગર માનવતાની સેવા કરનાર આ કર્મયોગીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

14 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સફર નિવૃત્તિ સુધી અવિરત રહી

વર્ષ 2007માં જ્યારે ગુજરાતમાં 108ની સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી, ત્યારે ગુલાબખાન બલોચ આ સેવામાં જોડાયા હતા. ત્યારથી લઈને આજ સુધી તેમણે નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી છે. તેમની સેવાની સુવાસ માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી નથી. વર્ષ 2008માં બિહારમાં કોશી નદીના વિનાશક પૂર દરમિયાન તેઓ ખાસ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને અનેક લોકોની મદદ કરી હતી.

સંકટ સમયના સાથી: કોરોના અને વાવાઝોડામાં અડગ રહ્યા

કોરોનાની મહામારી દરમિયાન જ્યારે દુનિયા ઘરોમાં કેદ હતી, ત્યારે ગુલાબખાન બલોચ પોતાની ચિંતા કર્યા વગર સતત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા. આ ઉપરાંત, સાયકોલીન વાવાઝોડા વખતે પોરબંદરના માધાપુરા બીચ જેવા દરિયાકાંઠાના જોખમી વિસ્તારોમાં પણ તેમણે પોતાની ટીમ સાથે ખડેપગે ફરજ બજાવી હતી.

અમદાવાદ અને પાટણ ખાતે વિશેષ સન્માન

તેમની નિવૃત્તિ નિમિત્તે અમદાવાદ સ્થિત 108ની હેડ ઓફિસ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં COO જસવંત પ્રજાપતિ સાહેબે ગુલાબખાનને સન્માન પત્ર અને ચેક અર્પણ કરી, તેમને ગળે લગાડીને તેમની અતુલ્ય સેવાને બિરદાવી હતી.

પાટણ જિલ્લા ખાતે પણ 108, 181, 1962, ધન્વંતરિ રથ અને ખીલખીલાટ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી, EME નરેશભાઈ પટેલ, નીતિન પટેલ, નિખિલ પટેલ અને પરેશ પ્રજાપતિ દ્વારા તેમને સાલ ઓઢાડી, શ્રીફળ અને સાકર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરિવાર અને સાથી મિત્રોમાં ગર્વની લાગણી

આ પ્રસંગે EMT નિલેષભાઈ ચેતવાણીએ શેર-શાયરી સાથે અનોખા અંદાજમાં એન્કરિંગ કર્યું હતું, જ્યારે પાયલટ જયસિંહ રાજપૂતે આભારવિધિ કરી હતી. તેમના પરિવારજનોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, “તેમણે શબ્દોથી નહીં પણ પોતાના કાર્યોથી અમને જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે.”

ગુલાબખાન બલોચની નિવૃત્તિ સાથે 108 સેવાનો એક પ્રેરણાદાયી અધ્યાય પૂર્ણ થયો છે, જે નવા કર્મચારીઓ માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here