રાણકીવાવ રોડ હવે બનશે સુરક્ષીત, DYSP કે.કે. પંડ્યાના હસ્તે ‘હાઈટેક’ પોલીસ ચોકીનું કરાયુ ખાતમુહૂર્ત

પાટણ: ઐતિહાસિક નગરી પાટણ જ્યાં વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકીવાવની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે તંત્રએ સુરક્ષા વધુ મજબૂત ચક્રવ્યૂહ બનાવવા પાટણની આન, બાન અને શાન સમાન રાણકીવાવ વિસ્તારમાં રામનવમીના પવિત્ર અવસરે અહીં એક અત્યાધુનિક ‘હાઈટેક’ પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

સિદ્ધપુરના DYSP કે.કે. પંડ્યાના વરદ હસ્તે પાટણ શહેર એ ડીવીઝન પી.આઈ કે.જે. ભોયે તેમજ એ ડીવીઝન સ્ટાફ, પાટણ નગરપાલિકા પ્રમુખ હીરલબેન પરમાર, નગરપાલીકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા તેમજ પાટણના અગ્રણી બિલ્ડર બેબાભાઈ સહિતનાની હાજરીમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો.  જે પાટણની સુરક્ષા વ્યવસ્થામાં એક નવો અધ્યાય લખશે. અંદાજે 20 લાખ રૂપીયાના માતબર ખર્ચે તૈયાર થનારી આ પોલીસ ચોકી માત્ર એક મકાન નથી, પરંતુ દાતાઓના ઉમદા સહયોગથી પ્રવાસીઓ માટે રક્ષણનું કવચ બનશે. કાળકા મંદિરની બરાબર સામે નિર્માણ પામનાર આ એક માળના આધુનિક ભવનમાં ત્રણ સજ્જ રૂમની વ્યવસ્થા હશે, જ્યાં 1 PSI, 3 હેડ કોન્સ્ટેબલ અને 10 પોલીસ કોન્સ્ટેબલનો મજબૂત કાફલો 24 કલાક ખડેપગે તૈનાત રહેશે.

આ ચોકી કાર્યરત થવાથી માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ રાણકીવાવ રોડ પર વર્ષોથી સતાવતી ટ્રાફિક જામની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવશે. પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી આ ચોકીના કારણે હવે કોઈપણ અઘટિત ઘટનામાં પોલીસ ગણતરીની મિનિટોમાં એક્શન લઈ શકશે. દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ હવે કોઈ પણ પ્રકારના ભય વગર પાટણના વારસાને માણી શકશે. તંત્રના આ પગલાથી પાટણના પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ મળશે અને ગુનેગારોમાં ફફડાટ ફેલાશે એ નક્કી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here