મહિલાનું મોત ગટરમાં પડવાથી નહીં પરંતુ રીક્ષાની ટક્કર થી થયું હોય પોલીસે રિક્ષા ચાલક ની અટકાયત કરી..
પાટણ તા.૨૧
રાધનપુર-ભાભર હાઇવે પર મસાલી રોડ પર એક મહિલાનું ખુલ્લી ગટર માં પડી જવાથી ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ધટનામા સીસીટીવી ફૂટેજ ના આધારે નવો વળાંક આવ્યો છે. જેમાં મહિલા નું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરે મોત નિપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં પોલીસે રિક્ષા ચાલક ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ગત તા.17 સપ્ટેમ્બરના રોજ રાધનપુર ની સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિ નું મોત થયું હતું. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેમનું મોત હાઇવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે.
જોકે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે હાઇવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, આ દિવસે સાંજે 7:19 કલાકે નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે મસાલી તરફથી આવતી રીક્ષાએ તેમને ટક્કર મારી હતી.
રીક્ષા ચાલક દિલીપભાઈ (રહે. લોટિયા, રાધનપુર) ઘટના બાદ નર્મદાબેનને રાધનપુરની રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેમણે મૃતકના પુત્ર ચેતનભાઈને ખોટી માહિતી આપી કે, તેમની માતા ગટરમાં પડી ગયા હતા અને તેમને બહાર કાઢીને હોસ્પિટલ લાવ્યા છે.
નર્મદાબેનને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બનાવને લઈને પરિવાર જનોને મળેલ હકીકત પ્રમાણે ખુલ્લી ગટર માં પડી જવાથી નમૅદાબેન નું મોત નિપજ્યું હોવાની ધટના પગલે માર્ગ અને મકાન વિભાગ ની લાપરવાહી સામે રોષ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને જે બાબતે મિડિયા એ પણ આ ધટનામા તંત્ર સામે તાતાતીર તાક્યા હતાં જોકે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસમાં માગૅ મકાન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે આ ધટના ની સત્યતા બહાર આવી છે અને મહિલા નું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રીક્ષા ની ટક્કર થી નિપજ્યું હોય પોલીસે હવે મૃતકના પુત્ર ચેતનભાઈની ફરિયાદના આધારે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.