અમદાવાદ: દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવી સમાજમાં સન્માનભેર જીવવાની તક પૂરી પાડવાના ઉમદા આશય સાથે રોટરી ક્લબ મેટ્રો અમદાવાદ અને ન્યુ વે એજ્યુકેશન રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને નિઃશુલ્ક ઇલેક્ટ્રોનિક બેટરી સંચાલિત હાથ ફીટ કરી આપવામાં આવશે.
કોને મળશે લાભ?
આ કેમ્પમાં એવા દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમનો હાથ કોણીના નીચેના ભાગથી કપાયેલો હોય અથવા જન્મજાત રીતે હાથની વિકલાંગતા ધરાવતા હોય. અંદાજે રૂ. ૧૬,૦૦૦ની કિંમતનો આ આધુનિક આર્ટિફિશિયલ હાથ લાભાર્થીઓને તદ્દન મફત આપવામાં આવશે. માત્ર હાથ જ નહીં, પરંતુ તેના સંચાલન અને યોગ્ય ઉપયોગ માટે સ્થળ પર જ નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપવામાં આવશે.
જીવન બનશે સરળ:
આ ઇલેક્ટ્રોનિક હાથ અત્યંત હલકો અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ હાથની મદદથી દિવ્યાંગો લખવું, ભોજન લેવું, રસોઈ કરવી અને વાહન ચલાવવા જેવા રોજિંદા કાર્યો સરળતાથી કરી શકશે, જે તેમને રોજગાર મેળવવામાં પણ મદદરૂપ થશે.
નોંધણીની વિગત:
આ કેમ્પમાં “વહેલા તે પહેલા” ના ધોરણે માત્ર ૫૦ લાભાર્થીઓ માટે જ સ્થાન મર્યાદિત રાખવામાં આવ્યું છે.
- પાટણ જિલ્લાના લાભાર્થીઓ માટે: રોટરી ક્લબ પાટણના પ્રમુખ ડો. પરીમલ જાની (૯૮૨૫૩ ૦૪૨૩૦) અથવા ડો. બાબુભાઈ પ્રજાપતિ (૯૮૨૪૨ ૫૦૧૭૧) નો સંપર્ક કરવો.
- અમદાવાદ ખાતે સંપર્ક: ૯૯૭૪૦ ૮૮૮૦૨, ૯૮૨૫૦ ૧૧૫૪૮ અથવા ૮૭૮૦૭ ૫૨૩૨૬ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ આ સેવાયજ્ઞનો વધુમાં વધુ દિવ્યાંગજનો લાભ લે તેવી અપીલ કરી છે.




