વ્યાજખોરો સામે પાટણ પોલીસનું આક્રમક વલણ: એક માસની ખાસ ઝુંબેશનો પ્રારંભ, પીડિતોને નિર્ભય બની ફરિયાદ કરવા અનુરોધ

પાટણ:

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલા કડક વલણના ભાગરૂપે, પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ ‘મની લેન્ડિંગ ડ્રાઈવ’ (વ્યાજખોરી વિરોધી ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. રાજ્યવ્યાપી આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના તમામ વિસ્તારોમાં વ્યાજખોરોના વિષચક્રને તોડવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન

​પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ગાંધીનગર) ના સીધા આદેશાનુસાર, પાટણ જિલ્લામાં આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા રેન્જ આઈ.જી. શ્રીમતી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ અને પાટણ પોલીસ અધિક્ષક (SP) શ્રી વી.કે. નાયીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ૧૫ માર્ચ ૨૦૨૬ થી ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી આ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે.

ગેરકાયદે ઉઘરાણી અને ધાક-ધમકી સામે કડક કાર્યવાહી

​પાટણ પોલીસ દ્વારા જાહેર જનતાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોએ હવે ડરવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ:

  • ​ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજની ઉઘરાણી કરતી હોય,
  • ​નાણાં વસૂલવા માટે ધાક-ધમકી આપતી હોય,
  • ​કોઈ મિલકત કે કિંમતી વસ્તુઓ બળજબરીથી લખાવી લેતી હોય,
  • ​માનસિક કે શારીરિક ત્રાસ આપતી હોય,

​તો આવા કિસ્સામાં પીડિત વ્યક્તિએ કોઈ પણ પ્રકારના સંકોચ વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો જોઈએ. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ફરિયાદ મળતા જ તેની તટસ્થ તપાસ કરવામાં આવશે અને ગુનેગારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.

સુરક્ષા અને ગોપનીયતાની ખાતરી

​ઘણીવાર પીડિતો વ્યાજખોરોના ડરથી ફરિયાદ કરતા અચકાતા હોય છે, પરંતુ પાટણ પોલીસે આ બાબતે હૈયાધારણ આપી છે કે જરૂર જણાયે પીડિતને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે. પોલીસ વિભાગનું લક્ષ્ય સામાન્ય જનતાને આર્થિક અને માનસિક શોષણમાંથી મુક્ત કરી ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે.

પાટણ પોલીસની આ મક્કમ કામગીરીથી જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જાગ્યો છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here