
પાટણ નગર ખાતે આવેલી શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ ખાતે તારીખ ૨૦ ડિસેમ્બર રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન તથા “તેજસ્વી તારલા” સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વર્ષોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકમંડળ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી. સ્વાગત પ્રવચન ડૉ. અતુલભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસોસિએશનના પ્રમુખ ડૉ. યશવંતભાઈ ઝવેરીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સંસ્થાની સતત પ્રગતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સહકાર, માર્ગદર્શન અને જોડાણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોને પણ બિરદાવવામાં આવ્યા હતા.
સમારંભ દરમિયાન શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર કુમારી ડીનલ વિઠાણી તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિધિશા મોદી સહિત શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને “તેજસ્વી તારલા” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો યાદ કરી ભાવનાત્મક અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ વર્તમાન વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ સમારંભમાં અધ્યક્ષ તરીકે દાનેશભાઈ શાહ ઉપરાંત ત્રિભોવનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, ડૉ. રીટાબેન પારેખ, એસોસિએશન પ્રમુખ ડૉ. યશવંતભાઈ ઝવેરી, મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઈનામી રકમના દાતા ડૉ. આર.આર. શાહ તથા સમગ્ર ટ્રસ્ટીમંડળ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આયોજન સમિતિ, શિક્ષકમંડળ તથા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




