શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા ધોરણ–12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો

પાટણ : શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં એચ.એસ.સી.ની પરીક્ષા આપનાર ૮૨ વિદ્યાર્થીઓ માટે શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા ધોરણ–૧૨ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટે પ્રેરણા આપવાનો તથા શુભકામનાઓ પાઠવવાનો રહ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંસંગિક ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને જીવનના આગામી તબક્કા માટે સકારાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ભાવસભર વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ઉમળકાભેર આવકાર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળના અનુભવો તથા લાગણીઓ વ્યક્ત કરતા ભાવસભર પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે ડૉ. અતુલભાઈ અગ્રવાલે વિદ્યાર્થીઓને જીવનમાં મૂલ્યો, પરિશ્રમ અને દૃઢ સંકલ્પના મહત્વ અંગે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ આશીર્વચન પાઠવતાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

આ શુભેચ્છા સમારંભમાં મહેમાનશ્રીઓ તરીકે એસોસિએશનના મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશનના સભ્યશ્રીઓ ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ડૉ. રાકેશભાઈ મહેતા, શ્રી ધીરુભાઈ શાહ, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી જીતુભાઈ જાદવ તેમજ વાલીમંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે સમારંભનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here