પાટણ જિલ્લાના સમી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં NGES કોલેજ કેમ્પસ (આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ), પાટણની NCC યુનિટ (7 GUJ. BN. NCC, મહેસાણા) ના કેડેટ્સે શિસ્તબદ્ધ પરેડ અને શાનદાર પ્રદર્શન કરીને દ્વિતીય શ્રેણી (બીજું સ્થાન) પ્રાપ્ત કર્યું હતું, જેના કારણે સમગ્ર જિલ્લામાં સંસ્થાનું નામ ગૌરવભેર ઝળહળી ઉઠ્યું હતું.


આ પ્રસંગે NCC કેડેટ્સની ઉત્તમ સિદ્ધિને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્લાટૂનને સન્માનપત્ર અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ NCC કેડેટ્સની મહિનાઓની કઠોર મહેનત, શિસ્ત અને દેશભક્તિભાવના સાથે-साथ ANO કેપ્ટન ડૉ. એલ. એસ. ભૂતડીયા, લેફ્ટેનન્ટ ડૉ. જી. વાય. રામી તથા CTO ડૉ. પરીક્ષિત સિંહના માર્ગદર્શનનું ફળ હોવાનું જણાવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ ક્ષણને લઇ સંસ્થાના CDO ડૉ. જય ધ્રુવ સાહેબે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સન્માન NCC કેડેટ્સના સમર્પણ, શિસ્ત અને રાષ્ટ્રસેવા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે. સાથે જ તેમણે ભવિષ્યમાં પણ આવી જ રીતે દેશસેવા દ્વારા જિલ્લાનું અને દેશનું નામ ઉજાગર કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.




