પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 16 માર્ચ 2025ના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રસીકરણ વિશેની સમજ વધારવી, જનજાગૃતિ ફેલાવવી અને આરોગ્યસંભાળ પ્રત્યેની જવાબદારીને મજબૂત બનાવાનો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા રસપ્રદ રીતે રસીકરણના વૈજ્ઞાનિક તથ્યો, તેના ફાયદા, ભારતમાં રસીકરણનો ઇતિહાસ તથા નવીન રસીકરણ વિકાસ પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ટ્યુબરક્યુલોસિસ, ચિકનપોક્સ, ઈન્ફલ્યુએન્ઝા, ડીપ્થેરિયા, પોલિયો અને કોરોના જેવી ગંભીર મહામારીઓ સામે રસીકરણ કેવી રીતે રક્ષણ આપે છે, તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ઉપરાંત હ્યુમન એનાટોમી અને ડિજિટલ માઇક્રોસ્કોપ વર્કશોપ પણ આયોજિત કરાયો, જેમાં માનવ શરીરના વિવિધ અંગો, તેની કાર્યપ્રણાલી અને રોગપ્રતિકારક તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે અંગે તથા ડિજિટલ માઇક્રોસ્કોપ દ્વારા જીવંત કોષોની રચના અને તે કેવી રીતે શરીરની રક્ષણાત્મક પ્રણાલીને મજબૂત બનાવે છે તે અંગે પ્રાયોગિક જાણકારી આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ એ એક રાષ્ટ્રવ્યાપી આરોગ્યસંભાળ કાર્યક્રમ છે, જેનો હેતુ નીતિ નિર્માતાઓ, આરોગ્યસંભાળ કાર્યકરો, તેમજ અન્ય હિસ્સેદારો અને તેમના કાર્યને યોગ્ય માન્યતા આપવાનો છે. આજે રસીકરણ માત્ર એક વિકલ્પ નથી, પણ એક આવશ્યકતા છે.




