ચાણસ્માના વડાવલી ગામે પ્રેમલગ્ન બાબતે ધમકી મળતા એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા ગટગટાવી..

ઝેર દવા ગટગટાવી લેનાર પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

બનાવ ના પગલે વડાવલી ગામમાં ગમગીની છવાઈ…

પાટણ તા. ૫
ચાણસ્માના વડાવલી ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ મંગળવારે બપોરે એકી સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેમાં માતા-પિતા તેમજ પુત્ર અને પુત્ર વધુએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળ નું કારણ પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી યુવતી ના પરિવાર દ્વારા ધાક ધમકી મળતા કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું અનુમાન લગાવાયું છે.ઝેરી દવા ગટગટાવી લેનાર પરિવારના તમામને સારવાર માટે પ્રથમ ચાણસ્મા લવાયા હતાં ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે વડાવલી ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઘટના ની હકીકત જણાવતાં પરિવારની પુત્રી માધવીએ જણાવ્યું હતું કે, મારા ભાઈ વિમલે પ્રિયા સાથે પ્રેમ લગ્ન કયૉ હોવાથી અમને ભાભીના ઘરના સભ્યો અને બીજા લોકો પણ ભાઈને ઉપાડી જવાની તથા ફોનથી તેમજ ઘરે આવીને ધમકી આપતા હતા. જેથી મારા ઘરના સભ્યોએ આ પગલું ભર્યું હોવાનું તેણીએ જણાવ્યું હતું.
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા રાવળ પરિવારના બળદેવ રાવળ તથા તેમની પત્ની કમુબેન રાવળ, તેમનો દિકરો વિમલ રાવળ તથા તેની પત્ની પ્રિયા રાવળે તેમના ઘરે દવા ગટગટાવી લીધી હતી. બળદેવ રાવળની દીકરી માધવી ન્હાવા ગઈ હતી. તે સમયે તમામે દવા પી લીધી હતી, જ્યારે માધવી ન્હાઈને બહાર આવી ત્યારે ખબર પડતા તેણે 108ને જાણ કરી હતી. જેથી 108ની ટીમે તમામને ચાણસ્મા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સારવાર અર્થે ધારપુર દાખલ થયેલા વિમલ રાવળે જણાવ્યું હતું તે મારી સાસરીપક્ષના લોકો ધમકી આપતા કે અમારી છોકરીને પાછી આપી દો’ મારી પત્નીના માતા-પિતા તેમજ તેના સગા સંબંધીઓ બધા ધમકી આપે છે.તેના માતા-પિતા રૂપિયા આપીને બીજા પાસેથી ધમકીઓ અપાવે છે. જેથી અમે દવા પીધી છે. તેમના માતા-પિતા અમને કહેતા કે તમે અમારી છોકરીને પાછી આપી દો, અમે ગમે એમ કરીને છોકરીને પાછી લઈને જ રહેશું. તેમ કહીને જાનથી મારવાની ધમકી આપતા હતા અને કહેતા કે પોલીસ પણ અમારુ કઈ નહીં કરી શકે અને હુમલો પણ કરાવતાં હતા.જેટલા લોકોએ ધમકી આપી તે બધા લોકોને સજા થવી જોઈએ તેવું યુવતી પ્રિયાએ જણાવ્યું હતું અને પોતે પોતાની મરજીથી કોર્ટ મેરેજ કર્યા હોવાનું જણાવી મેરેજનું સર્ટી પણ આવી ગ્યું હોય હું મારા માતા-પિતા સામે હાજર પણ થઈ હતી અને નિવેદન પણ આપ્યું હતું. હું અલગ જ્ઞાતીની છું. મારા સસરા પક્ષને રોજ ધમકીઓ આપે છે. મે 181માં ફરિયાદ પણ નોંધાવી છે. તે બધા ફોનમાં ધમકી આપતા કે 181માં ફરિયાદ કરો કે પોલીસમાં ફરિયાદ કરો પણ કોઈની તાકાત નથી અમને કઈ કરી શકે, મારી નણંદને મારી નાખવાની પણ ધમકી આપતા હતા.
અમારી માગ છે કે જેટલા લોકોએ અમને ધમકી આપી છે તે બધા લોકોને સજા થવી જોઈએ. આ બાબતે ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ.અંકિતા પટેલે જણાવ્યું કે, એક જ પરિવારના ચાર દર્દીઓ હાલ દાખલ છે. એમાં પ્રિયા બહેન ની પૂછપરછ કરતાં તેઓએ એવું જણાવ્યું કે, એમના એક મહિના પહેલા લવ મેરેજ થયા છે ત્યારે પિયરપક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી કંટાળીને દવા પીધી છે. અત્યારે તમામની સારવાર ચાલી રહી છે.તો આ મામલે પોલીસ ને પણ અવગત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here