પાટણ:
દલિત અધિકાર સંઘ ગુજરાતના આદ્ય સ્થાપક દિવંગત શ્રી ફકીરભાઈ વાઘેલાના સુપુત્ર અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તથા અધ્યક્ષ શ્રી જીતેશભાઈ ફકીરભાઈ વાઘેલા આજે પોતાના પરિવાર સાથે પાટણની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાના મંદિરે શીશ નમાવીને દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
વીર મેઘમાયા મંદિર ખાતે પધારેલા વાઘેલા પરિવારના આગમન ટાણે પાટણ શહેર ભાજપ મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ સોની, પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરમાર તેમજ કોર્પોરેટર શ્રીમતી મીનાબેન સોલંકી અને શ્રીમતી સાધનાબેન પરમાર સહિતના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વાઘેલા પરિવારનું શાલ ઓઢાડી, ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ
શ્રી જીતેશભાઈ વાઘેલાએ પોતાના પાટણ પ્રવાસની શરૂઆત શહેરના લીલી વાડી વિસ્તારમાં આવેલી સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની પ્રતિમાને ફુલહાર પહેરાવીને કરી હતી. ત્યારબાદ વીર મેઘમાયા મંદિરના દર્શન કરી તેમણે વિશેષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ગુજરાતના જાણીતા દલિત નેતા અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન ડૉ. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અથાગ પ્રયત્નો તથા રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે આ ભવ્ય આસ્થા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે, જે દલિત સમાજના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરે છે.”
ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને નગરદેવીના દર્શન
વીર મેઘમાયા મંદિર ખાતે પૂજન-અર્ચન કર્યા બાદ શ્રી જીતેશભાઈ વાઘેલાએ પરિવાર સાથે પાટણના નગરદેવી શ્રી મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, તેમણે પાટણના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક વારસા સમાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ, સહસ્ત્રલિંગ સરોવર તેમજ જગવિખ્યાત ‘પાટણના પટોળા’ ના અદભુત વણાટકામને પ્રત્યક્ષ નિહાળીને પાટણની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી અભિભૂત થયા હતા.




