પાટણ:
રાજ્યમાં ગુમ થયેલા અને અપહરણ કરાયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી. શ્રી ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી દ્વારા જિલ્લામાં ગુમસુદા વ્યક્તિઓને તાત્કાલિક શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના પગલે સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ કાકોશી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર શ્રી વી.એ. લિંબાચીયા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સુકુન રેસીડેન્સી ખાતેથી એક વૃદ્ધ મહિલા પોતાના પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક ઘરેથી નીકળી ગયા હતા. વૃદ્ધા ઘરે ન મળી આવતા ચિંતાતુર બનેલા પરિવારજનો તુરંત જ કાકોશી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને સમજીને કાકોશી પોલીસ સ્ટેશનના બીટ ઈન્ચાર્જ અને સ્ટાફના માણસો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. પોલીસે ગુમ થનાર વૃદ્ધાની તમામ વિગતો મેળવીને વિસ્તારના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ ટેક્નિકલ રિસોર્સિસનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલા વૃદ્ધાને સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતેથી હેમખેમ શોધી કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધા સાથે કોઈ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું ન હોવાનું ખૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વૃદ્ધાને તેમના વાલી-વારસને સહી-સલામત રીતે પરત સોંપ્યા હતા. ગુમ થયેલા સ્વજન ગણતરીના કલાકોમાં પાછા મળી આવતા પરિવારે પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ સફળ ઓપરેશન પાર પાડવામાં કાકોશી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી વી.એ. લીંબાચીયા, એ.એસ.આઇ. બિપીનકુમાર શુક્લાભાઇ, એ.એસ.આઇ. ચિરાગકુમાર ભુપેંદ્રભાઈ, અ.હેડ.કોન્સ. પરેશકુમાર રમેશભાઈ, અ.પો.કો. જોગસિહ અભેસિહ, અ.પો.કો. મેહુલકુમાર જયંતિલાલ તેમજ ટેક્નિકલ એક્સપર્ટ દેવ મોદીએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. કાકોશી પોલીસની આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.




