પાટણ એલસીબીની મોટી સફળતા: નામ બદલીને ૧૨ વર્ષથી નાસતો ફરતો વિશ્વાસઘાત અને ચોરીનો આરોપી અમદાવાદથી ઝડપાયો

પાટણ: બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી. કે. નાયી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ આવા વોન્ટેડ આરોપીઓની માહિતી મેળવી કાર્યવાહી કરવા સક્રિય હતો।

દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, સમી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૪ (ઇ.પી.કો. કલમ ૪૦૭, ૩૮૧) મુજબના વિશ્વાસઘાત અને નોકર ચોરીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજપુત પંચમસિંહ ખુમસિંહ (રહે. બાગમાલ, તા. બ્યાવર, જી. અજમેર, રાજસ્થાન) હાલ પોતાનું નામ બદલીને લક્ષ્મણસિંહ જાડેજા રાખી ગીર સોમનાથના પેઢાવાડા ગામે રહે છે અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરે છે। બાતમી અનુસાર તે હૈદરાબાદથી ટ્રક લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો।

આ ચોક્કસ બાતમીના આધારે પાટણ એલસીબીની ટીમે અમદાવાદ શહેર વડોદરા એક્સપ્રેસ હાઇવે ટોલ નાકા સીટીએમ નજીક વોચ ગોઠવી હતી। જ્યાં ટ્રક પાર્ક કરીને ઉભેલા આરોપી રાજપુત (ચૌહાણ) પંચમસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ જાડેજા ખુમસિંહ કોપસિંહ (ઉં.વ. ૫૬) ને ઝડપી પાડવામાં આવ્યો હતો।

ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, તારીખ ૧૮/૦૫/૨૦૧૪ ના રોજ તે પુષ્પક ટ્રાન્સપોર્ટ, ગાંધીધામની ટ્રકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો। તે સમયે મોરબી ખાતે આવેલી સીયારામ સીરામીક કંપનીમાંથી રૂપિયા ૪,૭૦,૩૪૩/- ની કિંમતની સ્ટાઇલો ભરીને મુન્દ્રા જવા નીકળ્યો હતો। જોકે, મુન્દ્રા જવાને બદલે તેણે ઉમતા ગામે (તા. વિસનગર) સોનુભાઇ નામના વ્યક્તિને આ માલ વેચી દીધો હતો। ત્યારબાદ ટ્રકને સમી ખાતે આવેલી હોટલ પર બિનવારસી મૂકીને તે ફરાર થઈ ગયો હતો અને આજદિન સુધી પોલીસ પકડથી બચતો ફરતો રહ્યો હતો।

પોલીસે આરોપીની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)જે મુજબ અટકાયત કરી પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને જાણ કરી છે।

આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પી.આઇ. જે. જી. સોલંકી, પો.સબ.ઇન્સ. એસ. બી. સોલંકી, પો.સબ.ઇન્સ. પી. વી. ચૌધરી તેમજ અ.હેડ.કોન્સ. મૌલીકકુમાર કિર્તિકુમાર, અ.હેડ.કોન્સ. અતુલકુમાર બળદેવભાઇ અને આ.પો.કોન્સ. કીરણભાઇ ભલાભાઇ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here