ધારપુર:
પાટણની ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફરી એકવાર ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દાંતા તાલુકાના માલ ગામના એક ગરીબ પરિવારમાં ૭ મહિનાથી પણ ઓછા સમયમાં જન્મેલા બે જોડિયા બાળકોને તબીબોની સઘન મહેનત અને આધુનિક સારવાર બાદ નવજીવન મળ્યું છે.

ગંભીર હાલતમાં કરાયા હતા દાખલ
ગત ૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ આ જોડિયા બાળકોને ગંભીર હાલતમાં ધારપુરના SNCU (નવજાત બાળકોનું આઈ.સી.યુ.) માં દાખલ કરવામાં આવ્યા હતા. જન્મ સમયે પ્રથમ બાળક (પુત્ર)નું વજન માત્ર ૧૦૦૦ ગ્રામ અને બીજી બાળકીનું વજન ફક્ત ૯૦૦ ગ્રામ હતું. ફેફસાના ગંભીર રોગ ‘હાયલિન મેમ્બ્રેન ડિસીઝ’ (Hyaline Membrane Disease) ને કારણે બંને બાળકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી અને શરીરનું તાપમાન પણ ઘટી ગયું હતું.
બે મહિના સુધી ચાલી જટિલ સારવાર
બાળકોની ગંભીર સ્થિતિને જોતા તબીબો દ્વારા ‘INSURE’ પદ્ધતિથી સરફેક્ટન્ટ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સારવારની વિગતો મુજબ:
- બંને બાળકોને લાંબા સમય સુધી C-PAP વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
- ત્યારબાદ ૨૧ દિવસ સુધી નાક દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો.
- અધૂરા માસે જન્મ હોવાથી તેમને Apnoea, BPD, એનીમિયા અને ફૂડ ઇન્ટોલરન્સ જેવી જટિલ બીમારીઓ હતી, જેની સામે તબીબોએ IV એન્ટિબાયોટિક્સ અને DART રેજિમેન જેવી સારવાર આપી રક્ષણ આપ્યું હતું.
- દવાઓની સાથે માતા-પિતા દ્વારા રોજબરોજ ‘કાંગારુ મધર કેર’ (KMC) પદ્ધતિથી પણ સારવાર આપવામાં આવી હતી.
₹૮ લાખની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિ:શુલ્ક
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ પ્રકારની જટિલ સારવાર કોઈ ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવી હોત, તો અંદાજે ૭ થી ૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત. પરંતુ આ ગરીબ પરિવારને PM-JAY (આયુષ્માન કાર્ડ) હેઠળ આ સંપૂર્ણ સારવાર તદ્દન મફત ઉપલબ્ધ કરાવાઈ હતી.
સ્વસ્થ બાળકોને જોઈ પરિવારમાં ખુશીની લહેર
લગભગ ૨ મહિનાની સઘન સારવાર બાદ, ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બાળકોને રજા આપવામાં આવી ત્યારે બાળકનું વજન ૧.૬ કિલો અને બાળકીનું વજન ૧.૫૩૦ કિલો નોંધાયું હતું. બાળકો સંપૂર્ણપણે ઇન્ફેક્શન મુક્ત અને તંદુરસ્ત થતા પરિવારે પીડિયાટ્રિક વિભાગના વડા ડો. નેહા શર્મા, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારૂલ શર્મા અને ડીન ડો. હાર્દિક શાહ સહિતના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.




