પાટણમાં શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન તથા ગુજરાતવિધાપીઠના સંયુક્ત ઉપક્રમે ‘સ્વદેશી થી સ્વાવલંબન’ ગ્રામજીવન આધારિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યોનો સંસ્કાર જાળવી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ દ્વારા રાષ્ટ્રને વિશ્વગુરૂ બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ પ્રસંગે વિધાપીઠના પ્રાધ્યાપક શ્રી કૌશિકભાઈ પટેલે જીવનમૂલ્યો, ગુજરાતવિધાપીઠનું યોગદાન તથા દરેક ભારતનાં નાગરિક માટે સ્વદેશી અપનાવવાની અનિવાર્યતા વિષે માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. સાથે જ ભરતભાઈ ચૌધરીએ વંદેમાતરમ ના 150 વર્ષ તથા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને કેન્દ્રમાં રાખીને તેમની કૃતીઓ અને જીવનશૈલી અંગે પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના મહત્ત્વ અંગે વિષયક વિડિઓ ગીત રજૂ કરાયું હતું. અંતે સમગ્ર સભાએ ભારતીય વસ્તુઓને પ્રાધાન્ય આપવાનો સંકલ્પ લીધો. સાથે જ વંદેમાતરમ ગીતનો વિડિઓ પણ સુંદર રીતે રજૂ કરાયો હતો.
આ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભુપેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ પટેલ અને પ્રો. ડૉ. દીપુબા દેવડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્વાગત અને આવકાર ડૉ. બી. આર. દેસાઈએ કર્યો હતો તથા કાર્યક્રમનું સંચાલન ડૉ. ઓ. બી. દેસાઈએ સંભાળ્યું હતું. શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે ડૉ. યશવંતભાઈ ઝવેરીએ શુભેચ્છા પાઠવી સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.




