અમારો ધ્યેય- યુવાનોના વિચારોને ફંડિંગ, સપનાઓને પાંખો અને ભવિષ્યને નવી દિશા — ડૉ. જય ધ્રુવ

પાટણ | નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત એનજીએસ કેમ્પસના સ્વાવલંબન કેન્દ્ર તથા એમ.એન. સાયન્સ કોલેજના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સંશોધન, નવીનતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે સતત માર્ગદર્શન, તાલીમ અને વિવિધ ઇનોવેશન તથા સ્ટાર્ટઅપલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કુલ 23 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સનું સ્ક્રીનિંગ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી 19 શ્રેષ્ઠ ઇનોવેશન પ્રોજેક્ટ્સની પસંદગી કરી ₹10,000થી ₹80,000 સુધીની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ અંતર્ગત SSIP દ્વારા કુલ ₹4,30,000ની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે. આ આર્થિક સહાયથી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને સંશોધન, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અને સફળ સ્ટાર્ટઅપ તરફ આગળ વધારવાની નવી તક પ્રાપ્ત થશે.
આ પ્રસંગે એનજીઈએસ કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આજનો વિદ્યાર્થી માત્ર ડિગ્રી મેળવીને નોકરી શોધનાર નહીં, પરંતુ પોતાના વિચારો, સંશોધન અને નવીનતાના બળે નોકરીઓનું સર્જન કરનાર બનવો જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા, માર્ગદર્શન અને આર્થિક પ્રોત્સાહન મળે તો તેઓ ભવિષ્યના સફળ ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને ઉદ્યોગપતિઓ બની શકે છે. એનજીએસ કેમ્પસનો સંકલ્પ છે કે દરેક યુવાન આત્મનિર્ભર બને, સ્વાવલંબન તરફ આગળ વધે અને પોતાના ઇનોવેશન દ્વારા સમૃદ્ધ તથા વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારો હેતુ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો નથી, પરંતુ તેમને વિચારતા, સંશોધન કરતા, નવી તકો સર્જતા અને સમાજની સમસ્યાઓના નવીન ઉકેલો શોધતા બનાવવાનો છે. વિદ્યાર્થીઓના વિચારોને માત્ર કાગળ પર નહીં, પરંતુ સફળ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગમાં પરિવર્તિત કરવા એનજીઈએસ કેમ્પસ હંમેશા પ્રતિબદ્ધ છે.”
આ સમગ્ર પહેલના સફળ સંકલન અને અમલીકરણમાં SSIPના કોઓર્ડિનેટર ડૉ. દીપ જોશી અને ડૉ. ચેતન બારોટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના માર્ગદર્શન અને સંકલન હેઠળ વિદ્યાર્થીઓને નવીન વિચારો વિકસાવવા, પ્રોજેક્ટ તૈયાર કરવા, સંશોધનને વ્યવહારુ સ્વરૂપ આપવા તથા સ્ટાર્ટઅપની દિશામાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
એનજીએસ કેમ્પસના સ્વાવલંબન કેન્દ્ર અને SSIP દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંશોધન પ્રત્યે રુચિ અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. સાથે જ પાટણ અને ઉત્તર ગુજરાતના યુવાનોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી ઓળખ અપાવવાની દિશામાં આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે.




