પાટણના સાયન્સ સેન્ટર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 05 જૂન, 2026ના રોજ વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “કુદરતથી પ્રેરિત. આબોહવા માટે. આપણા ભવિષ્ય માટે” આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આબોહવા પરિવર્તન અંગે જનજાગૃતિ ફેલાવવાનો, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો તેમજ હરિત અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે સમાજને પ્રેરિત કરવાનો છે.


આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી ભરતસિંહ ડાભી (સંસદ સભ્ય), પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવલ, ચીફ ઓફિસર શ્રીમતી હિરલબેન ઠાકર, નાયબ વન સંરક્ષકશ્રી નિકુંજસિંહ પરમાર, મદદનીશ વન સંરક્ષકશ્રી તેજસભાઈ ચૌધરી તેમજ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી અને સમગ્ર કર્મચારીઓ તથા શાળાના બાળકો અને અન્ય મહાનુભાવો સહિત 300 લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિષયક લોકપ્રિય વ્યાખ્યાન, વૈજ્ઞાનિક શો, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓ માટે પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિઓ, તથા આબોહવા પરિવર્તન પર વર્કશોપ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદ સભ્યશ્રી અને કલેક્ટરશ્રી જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આબોહવા પરિવર્તન સમગ્ર વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર બની રહ્યો છે. વધતું તાપમાન, અનિયમિત વરસાદ, પાણીની અછત અને કુદરતી આફતો જેવી પરિસ્થિતિઓ સામે અસરકારક પગલાં ભરવા માટે દરેક વ્યક્તિએ ઊર્જા બચત, વૃક્ષારોપણ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન તથા પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવી જરૂરી છે.
કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્થાનિક 15 થી વધુ પ્રજાતિઓના આશરે 300 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોની સક્રિય ભાગીદારી દ્વારા “ વિશ્વ પર્યાવરણ દિવસ”નો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાન્ય લોકોએ મોટી સંખ્યામાં જોડાય હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here