પાટણ: પાટણ જિલ્લામાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદે પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા બે નકલી ડોક્ટરોને પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે ઝડપી પાડ્યા છે. જિલ્લામાં આવા બોગસ તબીબો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયી તરફથી આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર સાથે રાખી પાટણ સીટી એ-ડિવિઝન તથા સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની મેડિકલ લાયકાત ન હોવા છતાં ક્લિનિક ખોલી દર્દીઓને તપાસી ઇન્જેક્શનો તથા દવાઓ આપતા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને સ્થળો પરથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૬,૪૦૯.૮૮/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને બોગસ ડોક્ટરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ મુજબ સંબંધિત પોલીસ મથકોમાં ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઝડપાયેલા આરોપીઓની વિગતો: ૧. જયેશભાઇ જયંતીભાઇ ખત્રી (ઉં.વ. ૬૮, રહે. બુકડી વિસ્તાર, ઓડવાસ, તા.જિ. પાટણ) – પાટણ સીટી એ-ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૭૦૧૯૨૬૦૭૩૯/૨૦૨૬ ૨. રાજેન્દ્રકુમાર મફતલાલ વ્યાસ (ઉં.વ. ૬૫, રહે. અન્નપૂર્ણા સોસાયટી, જીમખાના પાસે, પાટણ, તા.જિ. પાટણ) – સમી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૯૨૬૦૬૫૬/૨૦૨૬
આ સફળ કામગીરીમાં પાટણ SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકી, પો.સ.ઇ. ડી. કે. ચૌધરી, પો.સ.ઇ. એ. પી. ઠાકોર તેમજ સ્ટાફના એ.એસ.આઇ. શૈલેષકુમાર રામજીભાઇ, અ.હેડ.કો. પ્રવિણદાન લક્ષ્મણદાન, અ.પો.કો. દિનેશભાઇ રત્નાભાઇ, આ.પો.કો. હેતુભા લક્ષ્મણજી, આ.પો.કો. ભરતજી હમીરજી તથા અ.પો.કો. જયમીનકુમાર કુબેરભાઇ સહિતનાએ કામગીરી બજાવી હતી.




