પાટણ સાયન્સ સેન્ટર ખાતે મશીન એન્જિનિયરિંગ થીમ પર સમર કેમ્પનું સફળ આયોજન કરાઈ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે આયોજિત ત્રણ દિવસીય (૧૪ થી ૧૬ મે ૨૦૨૬ દરમિયાન) મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત રેસીડેન્સીયલ “સમર સાયન્સ કેમ્પ” ઉત્સાહભેર પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ ૬ થી ૧૦ ના કુલ ૫૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કેમ્પના પ્રથમ દિવસની શરૂઆત સામૂહિક યોગાભ્યાસ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ‘અવકાશ મિશનમાં વપરાતા અદભૂત મશીનો’ પર વિશેષ વ્યાખ્યાન અપાયું હતું. આ સાથે જ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઉંદરાના વિજ્ઞાન શિક્ષિકા દેવલબેન વ્યાસ દ્વારા ‘જ્ઞાન સાધના’ વિષય પર પ્રેરણાદાયી નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેણે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ સાયન્સ સેન્ટરમાં આવેલા હિટિંગ-વેન્ટિલેશન-એર કન્ડીશનીંગ પ્લાન્ટની મુલાકાત લીધી તેમજ ‘પાવર ઓફ મશીન્સ’ જેવાં વૈજ્ઞાનિક શો જોવાની મજા માણી હતી. રાત્રિના સમયે યોજાયેલા “આકાશ દર્શન” કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું.
કેમ્પના બીજા દિવસની શરૂઆત પણ યોગ અને પ્રાણાયામના સત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ હાંસાપુર, પાટણમાં આવેલી દૂધસાગર ડેરીની મુલાકાત લીધી હતી, જ્યાં ડેરીના અલગ-અલગ વિભાગમાં બનતું દૂધ, દહીં, છાશ વગેરેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ મેકાટ્રોનિક્સ અને ડીઝલ જનરેટરની અતરંગ કાર્યપદ્ધતિ નિહાળી હતી. નિષ્ણાત માર્ગદર્શક દ્વારા ‘મિકેનિકલ એન્જિનિયરો કેવી રીતે વિશ્વની સંરચના કરે છે’ તે વિષય પર નૂતન દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો હતો, સાથે-સાથે નિબંધ લેખન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની વાણી અને વિચારની અભિવ્યક્તિને નવું આકાશ મળ્યું હતું.
કેમ્પના ત્રીજા અને અંતિમ દિવસનો પ્રારંભ પણ યોગ અભ્યાસ સાથે થયો હતો.’રોબોટ્સ: મશીનો જે વિચારે છે અને કામ કરે છે’ વિષય પર આસિસ્ટન્ટ પ્રોફેસર યોગેશકુમાર પટેલ (ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પુટર એન્જિનિયરિંગ) ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજીના દર્શન કર્યા હતા. સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સિદ્ધાંતોને જીવનની પાઠશાળા સાથે સાંકળ્યા હતા, ત્યારબાદ સમાપન સમારોહમાં તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ત્રિ-દિવસીય જ્ઞાન-સત્રમાં યંત્રોની શુષ્કતા વચ્ચે પણ વિજ્ઞાનનો કલરવ ગુંજતો રહ્યો હતો, જે આવનારી પેઢી માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here