પાટણ,
ગુજરાત રાજ્યના સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે વિભાગ દ્વારા ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત પાટણ જિલ્લાની વાગડોદ પોલીસે એક પ્રશંસનીય અને માનવતાવાદી કાર્ય કર્યું છે. બનાસકાંઠાની આશ્રમ શાળામાંથી ગુમ થયેલા સાબરકાંઠા જિલ્લાના બે માસૂમ બાળકોને પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢીને તેમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ખંઢોરા ગામના બે બાળકો – અજય શ્રવણભાઈ અંગારી (ઉં.વ. ૦૯) અને નિકેશ દેવાભાઈ અંગારી (ઉં.વ. ૧૦) ને બે દિવસ પહેલા જ બનાસકાંઠાના સમૌ-નાના ખાતે આવેલી નિર્મીત આશ્રમ શાળામાં ભણવા માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ગત તારીખ ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના સમયે આ બંને બાળકો કોઈને પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા.
આ બંને બાળકો ભટકતા ભટકતા ભાટસણ ગામે પહોંચ્યા હતા, જ્યાંથી ‘૧૧૨ જન રક્ષક વાન’ ના કર્મચારીઓએ તેમને હેમખેમ મેળવી વાગડોદ પોલીસ સ્ટેશને લાવ્યા હતા. વાગડોદ પોલીસે બંને બાળકોને ખૂબ જ ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રાખી, પ્રેમપૂર્વક અને કુનેહથી પૂછપરછ કરી હતી. બાળકોએ પોતાના નામ અને સાબરકાંઠાનું સરનામું આપતા પોલીસે તુરંત જ તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનોને વાગડોદ પોલીસ સ્ટેશને બોલાવી બંને બાળકો સોંપાતા, પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
આ સમગ્ર સફળ ઓપરેશન બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના આદેશ અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા અને વાગડોદ પો.સ્ટે. પી આઈ એ.વી. દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.
બાળકોને તેમના પરિવાર સાથે મેળવવામાં વાગડોદ પોલીસ સ્ટેશનના PI એ.વી. દેસાઈ, ASI જગદીશભાઈ બેચરભાઈ, ASI કલ્પેશભાઈ કનુભાઈ, HC દીપકભાઈ હરગોવનભાઈ, PC જતિનસિંહ અમરતજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.
વાગડોદ પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સ્થાનિક લોકો અને બાળકોના પરિવારે પોલીસ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.




