પાટણ:
સરસ્વતી તાલુકાના એદલા ગામે વસંત પંચમીના પાવન પર્વે ‘મેનામાની ચેહરમાનો રૂડો અવસર’ અંતર્ગત માં ચેહર રાજનો પ્રાગટ્ય દિવસ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ ઉમટી પડી ધન્યતા અનુભવી હતી.


વિક્રમ સંવંત ૨૦૮૨ ના મહા સુદ પાંચમ (વસંત પંચમી) ના દિવસે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત સવારે સંતોના સામૈયા અને ભવ્ય મહાયજ્ઞથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સણાદર ધામના સંત શ્રી ૧૦૦૮ મં.મં. અંકુશગીરી બાપુએ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. દિવસભર ચાલેલા આ ઉત્સવમાં આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓએ માં ચેહરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે સાંજે ૧૦૦૮ દીવાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શનથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. ત્યારબાદ રાત્રે માં ચેહર રાજના પ્રાગટ્ય નિમિત્તે સુખડીનો પ્રસાદ ધરાવાયો હતો અને મોડી રાત સુધી ભવ્ય ‘રમેલ’ (જાતર) નું આયોજન કરાયું હતું. ભુવાજી શ્રી મહેશભાઈ પંચાલ દ્વારા આયોજિત આ પ્રસંગે પધારેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સેવક ગણ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.




