કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ આનંદ મેળાની શરૂઆત આચાર્યા ગીરાબેન અખાણી દ્વારા રીબન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.મેળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વયં તૈયાર કરેલ વિવિધ સ્વાદિષ્ટ અને પરંપરાગત વાનગીઓના કુલ ૨૩ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીની ઓએ આત્મવિશ્વાસપૂર્વક વાનગીઓની રજૂઆત કરી હતી તેમજ આવનાર મહેમાનોનું સુહૃદ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ આનંદ મેળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં વ્યવસાયિક કુશળતા,આત્મનિર્ભરતા, ટીમવર્ક અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવો હતો.મેળા દરમિયાન વાલી જનો,શિક્ષક મિત્રો તથા સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્ટોલોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓના પ્રયાસોને વખાણ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકગણ અને સ્ટાફે નોંધપાત્ર સહકાર આપ્યો હતો.આનંદ મેળાના આયોજનથી વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ વધ્યો તેમજ શાળાના શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિ ઓને નવી દિશા મળી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




