નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મોટી સફળતા: CCTV ફૂટેજથી રિક્ષા ચાલકને શોધી ₹6.40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો 

પાટણ:
પાટણ જીલ્લામાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાતને સાર્થક કરતા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નેત્રમ ટીમે ટેકનોલોજીની મદદથી એક નાગરિકના લાખો રૂપિયાના દાગીના પરત અપાવ્યા છે. પાટણના નાગવાસણ ગામે રહેતા રોહિતભાઇ સવજીભાઇના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ સોના-ચાંદીના દાગીનાના કામકાજ માટે ધારપુરથી પાટણ સોની બજાર આવવા રિક્ષામાં બેઠા હતા. પાટણના ઊંઝા ત્રણ રસ્તા શ્રમજીવી ચોકી પાસે રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ ઉતાવળમાં દાગીના અને રોકડ ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા.
આ બેગમાં અંદાજે 1 કિલો ચાંદીના દાગીના, 2 તોલા સોનાના દાગીના અને ₹40,000ની રોકડ રકમ સહિત કુલ ₹6,40,000નો મુદ્દામાલ હતો. રિક્ષા જતી રહ્યા બાદ બેગ ન મળતા અરજદારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ નેત્રમ ટીમ દ્વારા ‘વિશ્વાસ’ (VISWAS) પ્રોજેક્ટ હેઠળ લાગેલા CCTV કેમેરાઓની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂટેજના આધારે ગણતરીની મિનિટોમાં જ રિક્ષાની ઓળખ કરી તેનો રજીસ્ટ્રેશન નંબર “GJ24Y0750” મેળવી લેવામાં આવ્યો હતો.
પોલીસે રિક્ષા ચાલકનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે બેગ રિક્ષામાં જ પડી હતી, જે પોલીસે મેળવીને સુરક્ષિત રીતે મૂળ માલિક રોહિતભાઇને પરત સોંપી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને નોડલ ઓફિસર મહેન્દ્રસિંહ સોલંકીની સૂચના હેઠળ નેત્રમ ઇન્ચાર્જ પો.સ.ઈ. એચ.એસ. પટેલ, જે.એલ. રાજપુત તથા હેતલબેન, રવિકુમાર અને મહેશકુમાર સહિતના પોલીસ કર્મચારીઓ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોતાની મૂડી પરત મળતા અરજદારે પાટણ પોલીસની કાર્યક્ષમતા અને પ્રમાણિકતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here