પાટણ એલ.સી.બી.નો સપાટો: પાંચ મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પાટણ: પાટણ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને એલ.સી.બી.એ બાતમીના આધારે દબોચી લીધો છે.
ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જ્યારે પાટણ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2025 ના પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ફારૂકી આરીફ કયુમુદ્દીન તેના મહોલ્લાના નાકે હાજર હતો.
આરોપીની વિગત અને કાર્યવાહી
પોલીસે બાતમીવાળા સ્થળે ત્રાટકીને ફારૂકી મહમદઆરીફ કયુમુદ્દીન શરીફરૂદ્દીન (રહે. બોકરવાડા મોટા મદ્રેસા, પાટણ) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયતી પગલાં ભરી, આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. આર.જી. ઉનાગર, પી.એસ.આઈ. એસ.બી. સોલંકી તથા એ.એસ.આઈ. જાલુભા, હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર, અતુલકુમાર, દિલીપસિંહ અને કોન્સ્ટેબલ કિરણભાઇ, મનુભાઇ તેમજ રોશનીબેન સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here