પાટણ LCBની કાર્યવાહી: સુજનીપુર પાસે વિદેશી દારૂસહિત રૂ. ૯.૧૧ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

પાટણ: બનાસકાંઠા રેન્જ આઈજીપી  પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સુજનીપુર ગામની પાછળ, ખલીપુર તરફ જતા રોડની બાજુમાં ખોડિયાર માતાના મંદિર તરફ જવાના કાચા રસ્તે આવેલી પડતર જગ્યામાં બાવળોની ઝાડીઓમાં પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની ૭૧ પેટીઓ (કુલ ૨૪૯૬ નંગ નાની-મોટી બોટલ/ટીન, કિંમત રૂ. ૫,૦૧,૯૦૦/-), એક મારુતિ સ્વિફ્ટ ગાડી (કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/-) તથા એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૯,૧૧,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ રેડ દરમિયાન પોલીસે મોડુજી દલપતજી દરઘુજી ઠાકોર (રહે. અઘાર, માઢપાટી, તા. સરસ્વતી, જિ. પાટણ)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો સાગરીત દિલીપજી ગોવિંદજી ઠાકોર (રહે. અઘાર, તા. સરસ્વતી, જિ. પાટણ) સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બંને શખ્સો સામે સરસ્વતી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા સહિતની આગળની તપાસ સરસ્વતી પોલીસને સોંપવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પાટણના ઈન્ચાર્જ પી.આઈ.  જે.જી. સોલંકી, પી.એસ.આઈ.  એસ.બી. સોલંકી, પી.એસ.આઈ. પી.વી. ચૌધરી તેમજ એ.એસ.આઈ. વિપુલભાઈ ખોડાભાઈ, એ.એસ.આઈ. લાલાભાઈ ચેહાભાઈ, એ.એસ.આઈ. દિનેશભાઈ ત્રિભોવનભાઈ, આર્મર્ડ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જેસંગજી અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જાલમસિંહ ભારૂસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here