પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલમાં ધોરણ-૧૦ પછી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ધોરણ-૧૦ના પરિણામ વિતરણ સાથે જ ૨૧૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓની મુંઝવણો દૂર કરાઈ: આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ આપ્યું વિસ્તૃત માર્ગદર્શન

તકનીકીના યુગમાં કંઈક અલગ અને નવતર વિચાર સાથે આગળ વધી ઉજ્જવળ કારકિર્દી ઘડો.
— ડૉ. જય ધ્રુવ (સંચાલકશ્રી, NGES કેમ્પસ)

પાટણ:
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, પાટણ ખાતે SSC (ધોરણ-૧૦) ના પરિણામ વિતરણ પ્રસંગે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૦ પછી કયા ક્ષેત્રમાં આગળ વધવું તે અંગે મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સેમિનાર આશીર્વાદરૂપ સાબિત થયો હતો.
સેમિનારમાં શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ ઉપસ્થિત રહીને સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય (કોમર્સ) અને કલા (આર્ટસ) ક્ષેત્રે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં એન્જિનિયરિંગ, મેડિકલ ઉપરાંત ડિપ્લોમા અને વોકેશનલ અભ્યાસક્રમોમાં રહેલી ભવિષ્યની ઉજ્જવળ તકો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની રસ-રૂચિ અને મનપસંદ ક્ષેત્ર પસંદ કરીને આગળ વધે. આ સાથે જ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તજજ્ઞ શિક્ષકો દ્વારા વ્યક્તિગત કેરિયર કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

ધોરણ-૧૦ પછી વિષયની પસંદગીમાં બાળક ક્યાંય થાપ ન ખાઈ જાય તે માટે શાળાના સુપરવાઈઝર શ્રી હર્ષદભાઈ ડામોર, કોર્ડીનેટર શ્રી યોગેશભાઈ પટેલ તેમજ ધોરણ-૧૦ના ઉત્સાહી વર્ગશિક્ષકો શ્રી વિપુલભાઈ ભાટિયા, શ્રી વિપુલભાઈ ચૌધરી અને શ્રીમતી સારિકાબેન પટેલ સહિતના સ્ટાફે હાજર રહીને ૨૧૦ જેટલા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરની પાયાની માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે એનજીઈએસ (NGES) કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ સાહેબે સમગ્ર મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ડિજિટલ યુગમાં નવીનતા સાથે પ્રગતિ કરવાની શુભેચ્છાઓ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here