
વેરાવળ (વિશેષ):
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ ખાતે તા. 18 થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સંસ્કૃત સંવર્ધન યોજના અંતર્ગત વિત્તસહયોગથી વેદ વિભાગ દ્વારા વૈદિક ગણિતની ત્રિદિવસીય કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં સમાજના વિવિધ વર્ગો, કોલેજના સ્નાતક–અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓ સહિત કુલ આશરે 80 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યશાળામાં પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયાએ વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૈદિક ગણિતનું મહત્વ સમજાવી વિવિધ વૈદિક સૂત્રોના આધારે ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંખ્યાઓ તથા બહુપદીઓના ગુણાકાર–ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સરળ અને ઝડપી પદ્ધતિથી રજૂ કરી, જેને પ્રતિભાગીઓએ વિશેષ આવકાર આપ્યો હતો.
તા. 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલા સમાપન સત્રમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના માન. કુલપતિશ્રી પ્રોફેસર સૂકાન્તકુમાર સેનાપતિ મહોદય, કુલસચિવ શ્રી મહેશભાઈ મેતરા, વિનોદભાઈ ઝા, નરેન્દ્રભાઈ પંડ્યા, વૈદિક ગણિત કાર્યશાળાના સંયોજક તથા વેદ વિભાગના ડિન ડૉ. વિપુલકુમાર જાદવ મહોદય અને સંયોજિકા ડૉ. અમિષા દવે ભગિનીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય તથા વૈદિક મંગલાચરણ સાથે કાર્યક્રમનો આરંભ થયો. ડૉ. અમિષા દવેએ ત્રિદિવસીય કાર્યશાળાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસરો, ડૉ. ધનરાજ ઠક્કર, ડૉ. રૂપેશ ભાટિયા તથા પ્રતિભાગીઓએ વૈદિક ગણિતની ઉપયોગિતા અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણથી વિશેષરૂપે વૈદિક ગણિત માટે પધારેલા ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાનું શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંને તજજ્ઞો ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 થી 10ના વૈદિક ગણિતના પાઠ્યપુસ્તકોમાં લેખક તથા સમીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વૈદિક ગણિત વિષયક સેમિનારો યોજી તેઓ રાષ્ટ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
અધ્યક્ષસ્થાને રહેલા માન. કુલપતિશ્રી પ્રો. સૂકાન્તકુમાર સેનાપતિ મહોદયે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “સંસ્કૃત સર્વ વિષયોની જનની છે; આવી કાર્યશાળાઓ દ્વારા વૈદિક જ્ઞાનની પરંપરા વધુ મજબૂત બનશે,” તેમજ આગામી સમયમાં વૈદિક ગણિત વિષયક વિશેષ સંગોષ્ઠિ યોજવાની ભાવના વ્યક્ત કરી હતી.
અંતે આભારવિધિ ડૉ. વિપુલકુમાર જાદવ મહોદયે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુસંગત સંકલન ડૉ. વિપુલ જાદવ, ડૉ. રાહુલકુમાર ઝા તથા ડૉ. અમિષા દવે દ્વારા કરવામાં આવ્યું હતું.




