શંકરાચાર્યના અપમાન સામે પાટણમાં બ્રહ્મસમાજ સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓએ ધરણા યોજયા..

પ્રયાગરાજ માઘ મેળામાં પોલીસના કથિત ગેરવર્તનનો વિરોધ નોંધાવ્યો..

પાટણ તા.24
પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપ
માન જનક વર્તનના વિરોધમાં પાટણમાં શનિવારે બ્રહ્મ સમાજ અને અન્ય સમાજના આગેવાનો સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓએ પ્રતીક ધરણા યોજ્યા હતા. શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી.
પાટણના જગન્નાથ મંદિર ખાતે બ્રહ્મસમાજની સાથે અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકાર સામે વિરોધ દર્શાવવા પ્રતીક ધરણા પર બેઠા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પવિત્ર ધાર્મિક પ્રસંગે પોલીસે બ્રાહ્મણોની ચોટી ખેંચી અને માર મારીને અપમાનિત કર્યા છે.
પાટણ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, માઘ મેળો કુંભ મેળા જેટલું જ મહત્વ ધરાવે છે. આવા પવિત્ર અવસરે કરોડો હિન્દુઓની હાજરીમાં પોલીસ દ્વારા સર્વોચ્ચ ધર્મગુરુ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અસ્વીકાર્ય છે. તેમણે સરકારના મૌન સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં પાટણના નગરદેવી કાળી મંદિરના પૂજારી અશોક વ્યાસ, પદ્મનાભ મંદિર ના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. શંકરાચાર્યના સમર્થનમાં પાટણમાં શનિ- રવી એમ 2 દિવસના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here