પાટણ : શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ ખાતે 77મા પ્રજાસત્તાકદિનની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે યોજાઈ. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબ, પાટણના શ્રી નિકુંજ ચુનાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન વિધિથી કરવામાં આવી, ત્યારબાદ ભારત માતાની આરતી તથા શહીદ સ્મારક પર દેશના વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મહેમાનશ્રીઓ દ્વારા પુષ્પમાળા અર્પણ કરીને શહીદોના બલિદાનને નમન કરાયું.

આ પ્રસંગે વિદ્યાલયના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, દેશભક્તિ નૃત્ય અને પ્રેરણાદાયક વક્તવ્યો રજૂ કર્યા, જેમાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રતિની લાગણી સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું.
વિદ્યાલયના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને જવાબદારી જેવા મૂલ્યો જીવનમાં અપનાવવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે ભારતનું ભવિષ્ય યુવાનોના વિચારો, શિક્ષણ, સંસ્કાર અને કાર્ય પર નિર્ભર છે. આવનારા ભારતના વૈજ્ઞાનિક, શિક્ષક, ડૉક્ટર, ઇજનેર, સૈનિક, ઉદ્યોગપતિ અને નેતાઓ આજના વિદ્યાર્થીઓ જ છે. શિસ્ત, પરિશ્રમ, ઇમાનદારી, નવીનતા અને દેશપ્રેમ—આ પાંચ મૂલ્યો જીવનમાં ઉતારીને માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ સમાજ માટે ઉપયોગી બનવાનો સંકલ્પ લેવાની અપીલ કરવામાં આવી.
કાર્યક્રમમાં સ્થાનિક સમિતિના સભ્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીગણ તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનશ્રીઓમાં ધીરુભાઈ શાહ, ડૉ. રાકેશભાઈ મહેતા, કમલેશભાઈ શાહ તથા નિકુલ ચુનાવાલાનો સમાવેશ થતો હતો. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.




