૭૭મા ગણતંત્ર દિને પાટણની મૂકબધિર શાળામાં નિલમભાઈ પટેલ ‘દાસ’ ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

પાટણ: ૭૭મા ગણતંત્ર દિન નિમિત્તે પાટણ શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાડેસરા બહેરા-મૂંગા શાળામાં દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ શ્રી નિલમભાઈ પટેલ ‘દાસ’ના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી નિલમભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતાં સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની પ્રશંસા કરી. કાર્યક્રમ દરમિયાન શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા અને રાજ્ય કક્ષાએ મેડલ વિજેતા બધિર ખેલાડીઓ તેમજ ક્વિઝ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બેંગ્લોર જનાર ટીમને મહેમાનોના હસ્તે મેડલ, પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.

સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ તેમજ ડૉ. કે.સી. આચાર્યએ ઉજવણીના અવસરે સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓ અને દેશના ઘડવૈયા વીર શહીદ જવાનોને શત્-શત્ વંદન અર્પણ કરી શાળાની કામગીરીને બિરદાવી.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ઘેમરભાઈ દેસાઈએ શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાડેસરા બહેરા-મૂંગા શાળા તથા હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્ર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને મહેમાનોનો પરિચય કરાવ્યો.

સહમંત્રી શ્રીમતી કુસુમબેન ચંદારાણા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. મહેમાનોના વકતવ્યોનું બહેરા-મૂંગા બાળકોને સાઇન લેંગ્વેજમાં સમજૂતી શાળાની શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન જોષીએ આપી. આભારવિધિ શાળાના વહીવટી અધિકારી શ્રીમતી ઉષાબેન બુચે કરી.

કાર્યક્રમને સફળ બનાવવા શાળા તથા છાત્રાલયના સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ અવસરે સિનિયર સિટીઝન, રોટરી ડાયાબિટીસ ક્લબ, મૂકબધિર મંડળના હોદ્દેદારો તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here