
સરસ્વતી તાલુકાની પી.એમ.શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે જાગૃતતા વિકસે, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ થાય અને દેશી તથા આધુનિક રમતોનો પરિચય મળે તે હેતુસર ભવ્ય રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ રમતોત્સવને યાદગાર બનાવ્યો હતો.

રમતોત્સવ દરમિયાન શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે લીંબુ-ચમચી દોડ, સંગીત ખુરશી, કોથળા દોડ, ફુગ્ગા રમત, લાંબી કુદ જેવી મનોરંજક અને કુશળતા વધારતી રમતો યોજાઈ હતી. આ રમતો દ્વારા નાના બાળકોમાં સંતુલન, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને સહકારભાવ વિકસે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. બાળકો આનંદથી રમતોમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.

તે જ રીતે ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે સ્લો સાયકલ રેસ, કબડ્ડી, કુસ્તી, ત્રિપગી દોડ, દોરડા કૂદ, રસ્સા ખેંચ, લોટમાંથી ચોકલેટ શોધવાની રમત તેમજ 50 મીટર દોડ જેવી વિવિધ શારીરિક ક્ષમતાઓ અજમાવતી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમભાવના, શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થયો હતો.

દરેક રમત માટે વિદ્યાર્થીઓના જૂથ બનાવી આયોજનબદ્ધ રીતે તમામ રમતો શાળાના તમામ શિક્ષકોની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ આગળ વધવા પ્રેરાય તેવો સકારાત્મક સંદેશો મળ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય હેમાંગભાઈ સુનેસરાએ જણાવ્યું હતું કે આવા રમતોત્સવ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ રમતગમત સંબંધિત કૌશલ્યો વિકસે છે તેમજ રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સદૃઢ બને છે. આજના સમયગાળામાં અભ્યાસ સાથે રમતગમતનું મહત્વ પણ એટલું જ જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ પ્રકારના આયોજનને બિરદાવવામાં આવ્યું હતું અને રમતોત્સવમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આયોજનકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિસ્તભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




