ગુજરાતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જેમના પરિવારે દાયકાઓ સુધી પાયાનું કાર્ય કર્યું છે, તેવા પ્રતિષ્ઠિત પરિવારની દીકરી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની પ્રતિભા પાથરવા સજ્જ છે. આગામી ફિલ્મ ‘કૃષ્ણાવતારમ ભાગ-1’ માં ‘સત્યભામા’ જેવી શક્તિશાળી ભૂમિકા દ્વારા સંસ્કૃતિ સિનેમા જગતમાં પ્રવેશ કરી રહી છે. આ માત્ર એક ડેબ્યૂ નથી, પરંતુ સેવા, સાહિત્ય અને આધુનિક મહત્વકાંક્ષાનો અનોખો સંગમ છે.
વારસામાં મળ્યા છે સેવા અને સાહિત્યના સંસ્કાર
સંસ્કૃતિનું ઘડતર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વડીલોના છાંયડે થયું છે. તેના નાની એટલે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ. નાનીમા પાસેથી તેને શિસ્ત અને જાહેર સેવાની પ્રેરણા મળી છે. તો બીજી તરફ, તેના નાના અને પ્રખર કેળવણીકાર ડૉ. મફતલાલ પટેલ (૧૦૦થી વધુ પુસ્તકોના લેખક) પાસેથી તેને કલમ અને સાહિત્યનો વારસો મળ્યો છે. સંસ્કૃતિ પોતે પણ અંગ્રેજીમાં બ્લોગ અને કવિતાઓ લખે છે.
તેના દાદા અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલ, જેઓ ‘ટોયલેટ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે, તેમણે સ્વચ્છતા અભિયાનમાં આપેલું પ્રદાન અમૂલ્ય છે. પિતા જયેશભાઈ પટેલ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ ગાંધીવાદી મૂલ્યોને આગળ ધપાવી રહ્યા છે, જ્યારે માતા અનાર પટેલ ‘ક્રાફ્ટરૂટ્સ’ અને ‘ગ્રામશ્રી’ દ્વારા હજારો મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે.
ઉદ્યોગસાહસિકતાથી એક્ટિંગ સુધીની સફર
માત્ર ૧૬ વર્ષની ઉંમરે પોતાની ફેશન બ્રાન્ડ શરૂ કરનાર સંસ્કૃતિએ લંડન અને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે RADA અને ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી અભિનય અને નૃત્યની તાલીમ મેળવી છે. તેણે જીમી ચૂ અને બોટ્ટેગા વેનેટા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે પણ કામ કર્યું છે, છતાં તેના મૂળ હંમેશા સેવા કાફે અને માનવ સાધના જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.
‘સત્યભામા’ તરીકે આધ્યાત્મિક યાત્રા
‘કૃષ્ણાવતારમ’ ફિલ્મમાં તે સત્યભામાના પાત્રને જીવંત કરશે. આ ફિલ્મ ભગવાન કૃષ્ણના જીવનને સત્યભામાની દ્રષ્ટિથી રજૂ કરે છે. સંસ્કૃતિ માટે આ ભૂમિકા માત્ર અભિનય નથી, પણ તેના સંસ્કાર અને કલાનું વિસ્તરણ છે.
બોલિવૂડ સિનેમા અને કલા જગત હવે આ સેવાભાવી પરિવારની લાડલી અને પ્રતિભાશાળી અભિનેત્રીના ઓવારણાં લઈ રહ્યું છે.




