પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા પોલીસ મેદાને, ૧૯ પરિવારોને મળી આર્થિક રાહત.

કુલ ₹૬૨.૧૨ લાખની લોન મંજુર: પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને બેંકિંગ લોનના ચેક એનાયત કરાયા.
પાટણ:
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવાના આશયથી દરેક પોલીસ સ્ટેશનમાં ‘લોન મેળા’નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે એક વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૯ લાભાર્થીઓને મળી આર્થિક સહાય
પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) શ્રી ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ લોન મેળામાં વિવિધ બેંકોના સહયોગથી કુલ ૧૯ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ લોન મંજુર કરાવી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આ લાભાર્થીઓને કુલ રૂપિયા ૬૨,૧૨,૦૦૦/- (બાસઠ લાખ બાર હજાર) ના ચેક અર્પણ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
અધિકારીઓનું માર્ગદર્શન
આ સમગ્ર કામગીરીમાં પાટણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર કે.જે. ભોયે તથા એલ.આઇ.બી અને સર્વેલાન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, બેંકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) કુલદિપસિંગ એ. ગહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસના આ પ્રયાસથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો જેઓ નાણાકીય ભીંસમાં હોય તેમને અધિકૃત બેંકો પાસેથી વ્યાજબી દરે લોન મળી રહેશે, જેથી તેઓએ વ્યાજખોરો પાસે ઊંચા વ્યાજે નાણાં લેવાની જરૂર નહીં પડે.




