આ જગતમાં સંઘર્ષ, સાહસ અને સમજણપૂર્વકની નિરંતર મહેનત કરનાર પ્રત્યેક વ્યકિત વહેલામોડો આગળ આવે જ છે. પિતા કાંતિલાલ નરોતમદાસ ઠકકર અને માતા ભગવતીબેનના પરિવારમાં તારીખ 31-1-1973 ના રોજ ભીલડી ખાતે જન્મેલા,કુણઘેર ના વતની અને હાલે પાટણની અતિ પ્રખ્યાત એવી પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી હાલ પાટણની ખુબજ જૂની જાણીતી શાળા શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણમાં આચાર્ય ધનરાજભાઈ ઠકકરનું જીવન પણ સંઘર્ષ, સાહસ, સહનશીલતા,સમજણ,કર્મઠતા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.

ધોરણ:5 સુધી કુણઘેર ખાતે અભ્યાસ કરી ધોરણ:6 થી બી.એસ.સી. થયા ત્યાં સુધી તેમણે પાટણ ખાતે જ અભ્યાસ કર્યો.એમ.એસ.સી.વિસનગર ખાતેથી પૂર્ણ કર્યું. હાલમાં વૈદિક ગણિત વિષય ઉપર રાજસ્થાનની અલવર યુનિવર્સિટી ખાતેથી તેમનો પી.એચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરેટ ની પદવી પ્રાપ્ત કરી છે. 1-2-1998 ના રોજ બાદીપુર(પાટણ) નાં સંગીતાબેન સાથે લગ્ન થયા બાદ પ્રભુકૃપાથી અવતરેલ બેઉ દીકરાઓ શીવમ (એમ.બી. બી.એસ.રનીંગ) તેમજ મહર્ષ (ધોરણ:11) પણ ખૂબ જ તેજસ્વી અને સત્કાર્યોના સહયોગી છે. તેમની નાની ઉંમરે એમના પિતાજી કપડાંની ફેરી કરતા,કયારેક પાપડ વેચતા એમ માતાપિતાએ મહામહેનત કરીને અમને સૌને ભણાવ્યા તેવું જણાવતાં ધનરાજભાઈ તેમના પરિવારના જૂના કપરા દિવસોનું સ્મરણ કરે છે.પિતાજી કયારેક ચાદર પાથરીને રમકડાં વેચતા અને તેમાં પણ તેઓ મદદરૂપ થતા હતા.પિતાજીએ બેચરાજીમાં સોડાની લારી કરી હતી તો અંબાજીમાં પણ ચા ની લારી કરી હતી અને પછીથી સોડાની લારી કરી હતી.ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે ધનરાજભાઈ પણ સોડાની લારી કરતા હતા.જૂના સમયે એક રૂપિયાની એક સોડા મળતી તેવા દિવસોમાં ધનરાજભાઈએ એક દિવસમાં 6500 સોડા વેચેલી તેવું તેમને આજે પણ યાદ છે.નાનપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોનહાર-હોંશિયાર હતા એટલે સૌને લાગતું હતું કે તેઓ ચોક્કસ ડોક્ટર બનશે પરંતુ ધોરણ:12 માં પરિક્ષા સમયે જ ટાઈફોઈડની અસર થતાં 51% જ આવ્યા અને નાછૂટકે બી.એસ.સી.કરવું પડયું.કયારેક પગમાં પહેરવા પગરખાં પણ ના હોય તેવા વિપરીત સંજોગોમાં તેમણે મકકમ મનોબળ રાખી અભ્યાસ પૂર્ણ કર્યો.
બી.એસ.સી.ના અભ્યાસ દરમિયાન ટયુશન ક્લાસીસ કરી નાનીમોટી આવક થકી ગુજરાન ચલાવ્યું.બી.એસ.સી.પૂર્ણ કર્યા બાદ પણ ટયુશન ક્લાસીસ ચાલુ રાખી એમ.એસ.સી.કર્યું.ટયુશન ક્લાસીસમાં એક સારા શિક્ષક તરીકેની તેમની ઉમદા છાપ હતી.અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નવ વર્ષ સુધી તેમણે ટયુશન ક્લાસીસ ચલાવ્યા બાદ 2000 ની સાલમાં હારિજ ખાતે માસિક રૂપિયા 3500/- ના પગારમાં શિક્ષકની નોકરી મળી હતી.2002માં તેઓ પાટણ ખાતે મદદનીશ શિક્ષક શિક્ષક તરીકે ખૂબ જ પ્રખ્યાત એવી પી.પી.જી.એકસપેરીમેન્ટલ સ્કૂલમાં જોડાયા હતા. 1-11-2019 થી તેઓ આ શાળામાં જ એક સફળ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહેલ છે.5 સપ્ટેમ્બર 2015 ના રોજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી દ્રારા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું શાલ,તામ્રપત્ર અને રૂપિયા 51000 ના રોકડ પુરસ્કાર સાથે દબદબાભેર સન્માન કરાયું હતું.2010 માં રાજ્યકક્ષાએ રામાનુજન મેથ્સ કલબ દ્રારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા બાદ 2012 માં તેમને રામાનુજન એવોર્ડ પણ મળ્યો હતો.2014 માં રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ મેથ્સ ટીચર તરીકે તેઓ સન્માનિત થયા હતા.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9998946658 છે.
ધનરાજભાઈ ના જીવન વિષે એક આખું પુસ્તક લખી શકાય તેમ છે પણ સ્થાન મર્યાદાને લીધે અહીંયાં તેમની કેટલીક મહત્વની વિગતો જ લખી છે ગુજરાત રાજ્ય, ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબના ઉપાધ્યક્ષ એવા તેઓ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ,માધ્યમિક સંવર્ગ, પાટણ જિલ્લાના પ્રમુખ છે.2011-13 દરમિયાન તેઓ પાટણ ગણિત પરિવારના અધ્યક્ષ તેમજ 2011-14 દરમિયાન ભારત સ્કાઉટ ગાઈડના મંત્રી હતા.2014 થી તેઓ ગુજરાત રાજ્ય ગણિત મંડળના એક્ઝિક્યુટીવ મેમ્બર છે.મેમ્બરશીપ,રોટરી ડિસ્ટ્રિક્ટ, 3054 ના તેઓ ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેમજ વિશ્ર્વ લોહાણા મહાપરિષદ પાટણ -મહેસાણાના રીજીઓનલ ચેરમેન છે.2013-14 માં સમગ્ર ઠકકર સમાજના લોહાણા યુવક મંડળના તેઓ અધ્યક્ષ હતા તો 2010-12 માં પાટણ મારવાડી લોહાણા સોશીયલ ગ્રુપના અધ્યક્ષ હતા.2008-14 દરમિયાન ભારત વિકાસ પરિષદ પાટણ ના સંયોજક એવા તેઓ 2015 માં રોટરી કલબ પાટણના પ્રમુખ તેમજ 2017 માં એસ.કે.બ્લડબેંક પાટણના ચેરમેન હતા.
તેઓ બૌધ્ધિક સેલ પાટણ જિલ્લા ભાજપના કન્વીનર છે.2011-13 માં ભાજપના મહામંત્રી તેમજ 2009-11 માં પાટણ શહેર ભાજપના ઉપપ્રમુખ હતા.શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક આગવી સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.શૈક્ષણિક કાર્યક્રમોમાં ગણિતના તજજ્ઞ તરીકે તેમનાં 100 કરતાં વધુ વ્યાખ્યાનો થયાં છે.10000 કરતાં વધારે વિધાર્થીઓને તેમણે વૈદિક ગણિતની પધ્ધતિઓ શીખવી છે.હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના શિક્ષકો તેમજ વિધાર્થીઓને તેમણે વૈદિક ગણિતનું જ્ઞાન આપ્યું છે.ધોરણ:6 ના તૈયાર થતા વૈદિક ગણિતના પુસ્તકમાં તેઓ લેખક તેમજ સમીક્ષક છે.કોરોના જેવા અતિ કપરા કાળમાં રોટરી કલબ પાટણના સહકારથી અંદાજે રૂપિયા છ લાખ જેવી રકમ એકત્રિત કરી જરૂરિયાતમંદ વ્યકિતઓને રાશનકીટ પહોંચાડવામાં તેમની અગ્રિમ ભૂમિકા હતી.તેમણે 39 વખત બ્લડ ડોનેશન કરેલ છે. દુષ્કાળ, પૂર, ધરતીકંપ, વાવાઝોડું,રોગચાળો જેવી અનેકવિધ કુદરતી આપતિઓમાં તેમની સેવા અને સલાહ સરાહનીય રહી છે.2013-14 માં લોહાણા યુવક મંડળના પ્રમુખ તરીકે અપરણિત દીકરા-દીકરીઓનો પરિચય મેળો તેમજ જરૂરિયાતમંદ વિધાર્થીઓને સ્કૉલરશીપ આપવા તેમણે સમાજમાંથી રૂપિયા દસ લાખ જેટલું ફંડોળ એકત્ર કરી પ્રેરણાદાયી કામગીરી કરી હતી. ખૂબ જ ઉચ્ચ વિચારો ધરાવતા ધનરાજભાઈનું જીવન સાદું, સરળ, સહજ અને સહકારમય છે.કન્યા કેળવણી,પ્રૌઢ શિક્ષણ, વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અભિયાન,મતદાન જાગૃતિ અભિયાન, માર્ગ સલામતી સપ્તાહ, વાંચે ગુજરાત અભિયાન, એન.એસ.એસ.,સ્કાઉટ ગાઈડ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જીવનને સુગંધિત બનાવનાર ધનરાજભાઈ એક મળવા જેવા,માણવા જેવા અને જાણવા જેવા ઉચ્ચ કક્ષાના માણસ છે. તેઓ પરમ જલારામ ભકત પણ છે.
છેલ્લા બે વર્ષથી વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ તરીકે માનનીય શ્રી સતીષભાઈ વિઠલાણીજીના નેતૃત્વમાં ઉતર ગુજરાત ઝોન-6 ના પ્રમુખ તરીકેની મારે જવાબદારી છે ત્યારે પાટણ અને મહેસાણા જિલ્લાના રીજીઓનલ ચેરમેન તરીકે ધનરાજભાઈ અને મંત્રી તરીકે જનકભાઈ સી.ઠકકર (હારીજ) એમ બેઉ મિત્રોની કર્મઠ જોડી સરસ કામ કરી રહેલ છે.ધનરાજભાઈના એક ભાઈ મહેન્દ્રભાઈ તેમજ બહેનો કપીલાબેન,જ્યોત્સ્નાબેન સહિત સૌ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.પોતાનાં સેવાકાર્યો, શિક્ષણકાર્યો, સત્કાર્યો, પૂન્યકાર્યો, ધર્મકાર્યો, સમાજકાર્યો થકી કુણઘેર થી લઈને પાટણના પ્રત્યેક ઘર સુધી પહોંચેલા અને સુગંધ પ્રસરાવી ચૂકેલા અનેક વિધાર્થીઓના આદરણીય ગુરૂજી એવા ધનરાજભાઈ ઠકકર તેમજ તેમના મજબૂત જીવન સાથીદાર એવાં સંગીતાબેન સહિત સમગ્ર પરિવારને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન..વદન.. અઢળક શુભેચ્છાઓ. ધનરાજભાઈ નિરામય દીર્ઘાયુ સાથે હજુ પણ માનવ સમાજ અને શિક્ષણ જગતની વધારે ને વધારે સેવા કરે તે માટે પ્રભુ પ્રાર્થના.




