પાટણ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ખાતે કોલેજના ઇનોવેશન ક્લબ દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ “નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે”ની જાગૃતિસભર અને વિચારપ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. ઉર્જા સંરક્ષણના મહત્વને ઉજાગર કરવા આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિભાગોના કુલ 32 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ઉર્જા સંરક્ષણના મહત્વ અંગે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના ભૂગોળ વિભાગના અધ્યક્ષ ડો. કૃષ્ણકુમાર સોની સાહેબે ઉર્જા સંરક્ષણનો મૂળ અર્થ, ઉર્જાના વિવિધ સ્ત્રોતો, વધતા ઉર્જા વપરાશથી ઊભી થતી સમસ્યાઓ તથા ભવિષ્યની પેઢી માટે ઉર્જા બચત કેટલી આવશ્યક છે તે અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી વ્યવહારુ પદ્ધતિઓ જેવી કે વીજળીનો ઉપયોગ, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો સ્વીકાર, અનાવશ્યક ઉર્જા વપરાશ ટાળવાની આદતો વગેરે બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓને ઉર્જા બચત અંગે વધુ જાગૃત બનાવવા માટે રજૂ કરાયેલ ઉદાહરણો અને સૂચનો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા. કાર્યક્રમના અંતિમ તબક્કે યોજાયેલી પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પુછ્યા હતા, જેને ડો. સોની સાહેબે વિગતવાર અને સંતોષકારક જવાબો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. આ સત્ર વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને માહિતીસભર અને રસપ્રદ રહ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડો. ઉર્વીબેન ગોસ્વામી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે કો-કોઓર્ડીનેટર ડો. સંગીતાબેન બકોત્રા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
કોલેજના આચાર્ય ડો. રીટાબેન પારેખ તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડો. જયભાઈ ધ્રુવ સરની પ્રેરણા અને સતત માર્ગદર્શનના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉર્જા સંરક્ષણ અંગેની જાગૃતિ વધે અને તેઓ જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.




