અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા માનવ સમાજ માટે સંદેશ આપતા દાનાભાઈ સોલંકી…

શિક્ષણ,જાગૃતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દ્વારા જ અંધશ્રદ્ધાનો અંત શક્ય છે…

પાટણ તા. 22
શ્રી વિનય વિદ્યાલય રાધનપુર ના શિક્ષક અને પૂર્વ પ્રમુખ પાટણ જિલ્લા વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળ,પૂર્વ સંગઠન સચિવ ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ ઓફિસર ફેડરેશન,ન્યુ દિલ્હી દાનાભાઇ સોલંકી એ અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા અને માનવ સમાજ માટે સંદેશ આપવાનું ભગીરથ કાયૅ હાથ ધર્યું છે.
તેઓએ આ કાયૅ કરતાં જણાવ્યું હતું કે માનવ સમાજનો સાચો વિકાસ જ્ઞાન, વિજ્ઞાન અને તર્ક પર આધારિત છે.છતાં આજે પણ સમાજના કેટલાક ભાગોમાં અંધશ્રદ્ધા ઊંડે સુધી વેરાઈ ગઈ છે. અંધશ્રદ્ધા એટલે ભય, અજ્ઞાનતા અને અવિજ્ઞાન પર આધારિત માન્યતાઓ આ માન્યતાઓ માણસને સત્ય અને પ્રગતિથી દૂર લઈ જાય છે. ઘણા સ્થળોએ લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન કે તર્કથી શોધવાને બદલે ભુવાઓ અથવા તાંત્રિકો પાસે દોડે છે. કેટલાક ભુવાઓ લોકોના દુઃખ,ભય અને અસમંજસનો લાભ લઈ અંધશ્રદ્ધા ફેલાવે છે. તેઓ પોતાને ચમત્કારી શક્તિ ધરાવતા બતાવીને નિર્દોષ લોકોને ભ્રમિત કરે છે.પરિણામે લોકો પૈસા, સમય અને વિશ્વાસ ગુમાવે છે.
બીમારી હોય તો ડોક્ટર પાસે જવાની જગ્યાએ ટોણા-ટોટકા કરાવવું, પરીક્ષામાં સફળતા માટે મહેનત કરતા મંત્રોમાં વિશ્વાસ રાખવો, કુદરતી ઘટનાઓને દેવી-દેવતાઓનો ક્રોધ માનવો આ બધું અંધશ્રદ્ધાના ઉદાહરણો છે.આવી માન્યતાઓ માનવ બુદ્ધિને બાંધી દે છે અને વૈજ્ઞાનિક વિચારશક્તિને નષ્ટ કરે છે.
સમાજમાં અંધશ્રદ્ધા ઘણી વખત મહિલાઓ અને ગરીબ લોકો પર વધુ અસર કરે છે. ક્યારેક કોઈ સ્ત્રીને ડાયણ ગણાવીને હેરાન કરવામાં આવે છે, તો ક્યાંક ભુવાઓના કહેવા પર પરિવાર વચ્ચે વિવાદ ઉભા થાય છે. આ બધું માનવતા માટે શરમ જનક છે. આપણે સમજવું જોઈએ કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી એક બાબત છે, પરંતુ અંધશ્રદ્ધા રાખવી બીજી બાબત છે.
સાચી શ્રદ્ધા માણસને સારા માર્ગે લઈ જાય છે, જ્યારે અંધશ્રદ્ધા માણસને અંધકારમાં ધકેલી દે છે. શિક્ષણ,જાગૃતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દ્વારા જ અંધશ્રદ્ધાનો અંત શક્ય છે.
આજના આ ટેકનોલોજી ના સમયમાં દરેક સમાજને સંદેશ આપવો ધટે કે ભય અને અજ્ઞાનતાના બંધનમાંથી બહાર આવો. દરેક બાબતમાં પ્રશ્ન પૂછો, તર્ક કરો અને સાચી માહિતી મેળવો. કોઈ પણ ભુવા કે તાંત્રિકના શબ્દોને આંખ બંધ કરીને સ્વીકારશો નહીં. જીવનની સમસ્યાઓનો ઉકેલ મહેનત, વિજ્ઞાન અને સમજદારીથી જ મળે છે.
પ્રગતિશીલ સમાજ માટે અંધશ્રદ્ધાનો ત્યાગ અનિવાર્ય છે. ચાલો, આપણે સૌ મળીને જાગૃત અને વૈજ્ઞાનિક સમાજનું નિર્માણ કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here